મેહસાણા, નાની કડીમાં આવેલ રીધમ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી એક નર્સ પ્રતિબંધીત રેમડેસિવર ઇન્જેકશન સાથે ઝડપાઇ ગઇ હતી. તેણી રૂ.૫૪૦૦ની કિમતનો એક ઇન્જેકશન કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાળાબજારમાં રૂ.૧૫૦૦૦ના ભાવે વેચાણ કરતી હોવાનું ચૌકાવનારી હક્કિતનો ઘટસ્ફોટ થયો છે.
કડીના પીએસઆઇ બી.એમ.પટેલેને બાતમી મળી હતી કે, રીધમ હોસ્પિટલમાં ફરજ બજાવતી ગુડ્ડી રાજપુત નામની નર્સ શહેરમાં રેલવે સ્ટેશન પાસેની ગાયત્રી સોસાયટીના નાકે ઉભી છે. તેની પાસેના લેડીઝ પર્સમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવર ઇન્જેકશન ગેરકાયદેસર રાખેલા છે. અને તેનું બજાર કિંમત કરતા ઉંચા ભાવે વેચાણ કરે છે. જેના આધારે પોલીસની ટીમે આ સ્થળે પહોંચીને ગુડ્ડીને ઝડપી લીધી હતી.
નર્સના લેડીઝ પર્સમાં તપાસ કરતાં અંદરથી રેમડેસિવર ઇન્જેકશનની ત્રણ બોટલો મળી આવી હતી. પોલીસે નર્સની પુછપરછ કરતાં તેણે હાલમાં કોરોના મહામારી ચાલતી હોવાથી રેમડેસિવર ઇન્જેકશનની માંગ વધી છે. જેથી વધુ ભાવે વેચાણ કરીને આર્થિક લાભ મળતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રેમડેસિવર ઇન્જેકશનની ત્રણ બોટલો સહિત કુલ રૂ.૨૧ હજારથી વધુની મત્તા કબજે કરીને ગુનો દાખલ કર્યો છે.
નર્સ પાસે રેમડેસિવર ઇન્જેકશન કયાંથી આવ્યા તે શોધવું જરૂરી
હાલ રેમડેસિવર ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે. સરકારના પરવાના સિવાય તેના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં આર્થિક ફાયદો ઉઠાવવા તગડો નફો લઇ રેમડેસિવર ઇન્જેકશનનો કાળો કારોબાર કરવામાં ઝડપાયેલી નર્સ આ ઇન્જેકશન કયાંથી લાવે છે અને કોરોના દર્દીના સગાઓની મજબુરીનો લાભ કેવી રીતે ઉઠાવે છે. તે દિશામાં તપાસ જરૂરી છે.
કબજે લેવાયેલ રેમડેસિવર ઇન્જેકશન એકસપાયરી ડેટના
કડીની રીધમ હોસ્પિટલની નર્સ પાસેથી કબજે લેવામાં આવેલ ત્રણ રેકડેસિવર ઇન્જેકશન એકસપાયરી ડેટના હોવાનું ખુલ્યું છે. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના નિરિક્ષક એચ.એમ.જેપાલના અભિપ્રાય મુજબ આ ઇન્જેકશન કોરોનાની સારવારમાં વપરાય છે. અને ત્રાહિત વ્યક્તિ આ રીતે વેચાણ કરી ન શકે તેમજ વધારે ભાવ લેવો ગુનો બને છે.