ભારતમાં એક મહિના કરતા વધુ સમયથી કોરોનાની ખતરનાક લહેર ચાલી રહી છે. ચૂંટણીપંચ હવે છેલ્લી ઘડીએ જાગ્યું હોય તેમ પશ્ર્ચીમ બંગાળમાં હવે રોડ-શો, સ્કુટર-વાહન રેલી પર પ્રતિબંધ મુકવા સહિતના નિયંત્રણાત્મક પગલા જાહેર કર્યા છે.
વિધાનસભા ચૂંટણી ધરાવતા રાજય એવા પશ્ચિમ બંગાળમાં પણ કોરોના કેસ દસ હજારથી વધુ થયા છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં કોરોના નિયમોનું પાલન ન કરતા હોવાના મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચ સામે નારાજગી દર્શાવી હતી. હવે ચૂંટણીપંચે તાત્કાલીક અસરથી રોડ શો તથા વાહન રેલી પર પ્રતિબંધ મુકી દીધો છે. જાહેરસભામાં પણ માત્ર 500 લોકોને જ સામેલ કરવાનું જાહેર કર્યુ છે.
બંગાળમાં બાકીના બે ચૂંટણી તબકકા માટે ચૂંટણી પંચે ગાઈડલાઈન જારી કરી છે. સાયકલ રેલીને પણ છુટ્ટ નહીં મળે. અગાઉની મંજુરી પણ રદ કરી નાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 તબકકામાં વિધાનસભા ચૂંટણી છે તેમાંથી છ તબકકા પૂર્ણ થઈ ગયા છે. હજુ બે તબકકામાં મતદાન બાકી છે જે 26 અને 29 એપ્રિલે થવાનું છે.