જામનગરમાં કોરોનાના મામલે મૃત્યુદર વધી ગયા પછી અંતિમક્રિયા કરવા માટે પણ ભારે કવાયત

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા અનેક દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે, અને છેલ્લા ત્રણ દિવસથી પ્રતિદિન 100 થી વધુ દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. આવા સંજોગોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે પણ ભારે કફોડી પરિસ્થિતિ સર્જાઈ છે.

જામનગરના બે સ્મશાનગ્રહો સતત કાર્યરત રહ્યા છે, અને પ્રતિદિન અનેક મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાઈ રહ્યા છે. એટલું જ માત્ર નહીં જામનગરની આસપાસના ગામોમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જામનગરના આદર્શ સ્મશાનગ્રહમાં ઈલેક્ટ્રીકની બે ભઠ્ઠી ચાલુ છે. જેમાં દોઢ કલાકના સમયગાળા દરમિયાન બે મૃતદેહોના અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે. તે ઉપરાંત છ થી આઠ મૃતદેહોના લાકડા મારફતે અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

તે જ રીતે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિરમાં પણ બે ભઠ્ઠી કાર્યરત કરી દેવામાં આવી છે, અને તેમાં પણ કતારબંધ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

પરંતુ હાલના સંજોગોમાં મૃત્યુનો દર ખૂબ જ ઊંચો ગયો હોવાથી અનેક મૃતદેહો અગ્નિસંસ્કાર માટે કતારમાં ગોઠવાયેલા હોવાથી જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની સેવાભાવી સંસ્થાઓના સહકારથી નાઘેડીમાં તાજેતરમાં શરૂ કરાયેલા સ્મશાનગૃહમાં લાકડા મારફતે અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

જ્યારે લાખાબાવળ ગામમાં ઓશવાળ મહાજન જ્ઞાતિ સંસ્થા દ્વારા અગ્નિદાહ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. એકીસાથે છ થી આઠ કોરોનાગ્રસ્ત મૃતદેહના અગ્નિસંસ્કાર કરી શકાય તે માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને લાખાબાવળમાં પ્રતિદિન દસથી બાર મૃતકોના અગ્નિસંસ્કાર થઈ શકે તેવી વ્યવસ્થા બે દિવસથી શરૂ કરી દેવામાં આવી છે. તે પ્રક્રિયાઓ આજે પણ અવિરત ચાલુ રખાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *