CBIએ નોંધી પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ FIR, અનેક ઠેકાણે સર્ચ ઓપરેશન


સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત અન્ય કેટલાક અજ્ઞાત લોકો વિરૂદ્ધ પૂર્વ સીપી પરમવીર સિંહના આરોપોને લઈ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ અનેક ઠેકાણે તપાસ પણ શરૂ કરી દીધી છે અને સીબીઆઈ જ્યાં તલાશી લઈ રહી છે તેમાં દેશમુખના આવાસનો પણ સમાવેશ થાય છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહના આરોપો બાદ અનિલ દેશમુખે રાજીનામુ આપવું પડ્યું હતું. પરમવીર સિંહે એક ચિઠ્ઠી લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલી ચિઠ્ઠીમાં પરમવીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, અનિલ દેશમુખ પોતાના નિવાસસ્થાને સચિન વાજે સાથે મુલાકાત યોજતા હતા. સાથે જ તેમણે દર મહિને મુંબઈમાંથી 100 કરોડ રૂપિયા વસૂલી ઉઘરાવવાની વાત કરી હતી.

પરમવીર સિંહે આ મામલે હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા હતા. ત્યાર બાદ હાઈકોર્ટે પરમવીરના આરોપોની તપાસનો દોર સીબીઆઈને સોંપ્યો હતો. કોર્ટે સીબીઆઈ 15 દિવસમાં રિપોર્ટ આપે ત્યાર બાદ અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાશે કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ કહ્યું હતું.

પરમવીર સિંહની ચિઠ્ઠી બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ મચ્યો હતો અને અનિલ દેશમુખ વિપક્ષના નિશાન પર આવી ગયા હતા. શરૂઆતમાં એનસીપી પ્રમુખ શરદ પવારે દેશમુખનો બચાવ કર્યો હતો અને તેમના રાજીનામાનો ઈનકાર કર્યો હતો. તેમણે દેશમુખ પર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. જો કે, વિવાદ વકર્યો ત્યાર બાદ દેશમુખે રાજીનામુ આપવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *