ભારતમાં 15 મે સુધીમાં પીક પર પહોંચશે કોરોના સંક્રમણ, દરરોજ થશે 5600ના મોત, US સ્ટડીનો દાવો

એક અમેરિકી વિશ્વવિદ્યાલયના અભ્યાસમાં ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના સંક્રમણ પીક પર પહોંચશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મે મહિનાના મધ્યગાળામાં દૈનિક મૃત્યુદરનો આંકડો 5600 થઈ જશે અને આ જ સ્થિતિ રહેશે તો એપ્રિલથી ઓગષ્ટ વચ્ચે કોરોના સંક્રમણથી આશરે 3 લાખ લોકો પોતાનો જીવ ગુમાવી દેશે. વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ‘કોવિડ-19 પ્રોજેક્શન’ ટાઈટલ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો જે 15 એપ્રિલે પ્રકાશિત થયો હતો.

અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોરોના મહામારીનો આ સમય આગામી સપ્તાહમાં સ્થિતિ વધુ બગાડશે. ભારતમાં સંક્રમણ અને મૃત્યુના વર્તમાન દરના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે 10 મેના રોજ દૈનિક મૃત્યુ દર 5600એ પહોંચી જશે. એપ્રિલથી ઓગષ્ટ મહિના દરમિયાન 3.29 લાખ લોકોના મોત થશે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં મૃતકઆંક 6.65 લાખ સુધી વધી શકે છે.

માસ્ક પહેરવાથી બચી શકે છે 70,000 લોકોનો જીવ

અભ્યાસ પ્રમાણે જો એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં બધા માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લઈ લેશે તો મૃતકઆંક 70,000 જેટલો ઘટાડી શકાશે.

અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021ના મધ્યમાં ભારતમાં કોરોના સંક્રમણ અને મૃતકઆંકમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યાર બાદ અચાનક જ તે ટ્રેન્ડ બદલાઈ ગયો હતો. તેના પાછળનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવાની બેદરકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *