ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જોશીમઠ ખાતે આવેલી નીતિ ઘાટીમાં શુક્રવારે મોડી રાતે ગ્લેશિયર ફાટવાની ઘટના બની હતી. ત્યાર બાદ સેનાએ મોરચો સંભાળી લીધો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દુર્ઘટનામાં 8 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત તે ક્ષેત્રમાં રોડ નિર્માણનું કાર્ય કરી રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કેમ્પમાંથી 300 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રાંતના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે આ દુર્ઘટનાને લઈ એલર્ટ જાહેર કર્યું છે. જાણવા મળ્યા મુજબ જોશીમઠ ખાતે ખરાબ હવામાનના કારણે કોઈ પણ અભિયાન ચલાવવામાં મોડું થઈ રહ્યું છે. સેના દ્વારા મળતા અહેવાલ પ્રમાણે દુર્ઘટના બની તે સ્થળે રસ્તા પાસે BROનો કેમ્પ લાગેલો હતો. તે સિવાય સેનાનો એક કેમ્પ BROના સુમના ખાતેના કેમ્પથી 3 કિમી દૂર હતો. દુર્ઘટના થઈ તે સ્થળે છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ હતા.
એનટીપીસી અને અન્ય પરિયોજનાઓમાં રાતના સમયે કામ રોકવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરાખંડના ચમોલી ખાતે નંદાદેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટી જવાના કારણે ઋષિગંગા ઘાટીમાં અચાનક જ ભારે પૂર આવ્યું હતું. તે દુર્ઘટનામાં 2 ડઝન કરતા પણ વધારે લોકોના મોત થયા હતા.