રાજધાની દિલ્હીમાં બેકાબૂ બનેલી કોરોનાની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાતા રાજ્ય સરકારે વધુ એક સપ્તાહ માટે લોકડાઉનને લંબાવી દીધું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આ કારણે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું ખૂબ જરૂરી બની ગયું હતું. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે કોરોનાનો સામનો કરવા માટે લોકડાઉન અંતિમ હથિયાર છે. જે રીતે કેસ વધી રહ્યા હતા તે જોતા અંતિમ હથિયારનો ઉપયોગ કરવો જરૂરી બની ગયું હતું.
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, હજુ પણ કોરોનાનો કહેર ચાલુ છે. આ કારણે અમે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 3 મેની સવારના 5:00 વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં વર્તાઈ રહેલી ઓક્સિજનની તંગી અંગે પણ ચર્ચા કરી હતી. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 32 ટકાથી ઉપર ચાલી રહ્યો છે, ઓક્સિજનનું સંકટ વર્તાઈ રહ્યું છે અને બેડ્સની પણ તંગી છે માટે સરકાર પાસે લોકડાઉન લંબાવવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો.