રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, સાથે સરકારી સેન્ટરોમાં વિનામૂલ્યે આ રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશીલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
18 વર્ષથી વધુ વયનાં તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે. વેક્સિનના રજિસ્ટ્રેશન માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો.
1) https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
2) તમારો મોબાઈલ નંબર આપીને ‘ગેટ OTP’ પર ક્લિક કરો.
3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
4) OTP સબમિટ કરતાં જ નવું પેજ ખૂલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
5) ફોટો આઇડી માટે આધાર કાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
6) એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
8) ત્યાર બાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ વેક્સિન લેવા માટે અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.