વૉશિંગ્ટન : ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગૂગલ અને માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓએ મદદની તૈયારી બતાવી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ૧૩૫ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાએ પણ ટેકનિકલ સહાય આપવાનું કહ્યું હતું.
ભારતીય મૂળના સત્યા નાડેલા અને સુંદર પિચાઈએ ભારતને કોરોના સામે લડવા માટે મદદ આપવાની ખાતરી આપી છે. ગૂગલના માધ્યમથી સુંદર પિચાઈ યુનિસેફ અને ગિવ ઈન્ડિયાને ૧૩૫ કરોડ રૂપિયા આપશે. આ રકમ કોરોના સામેની લડાઈ માટે વપરાશે. આ રકમ ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થશે.
સુંદર પિચાઈએ એક બ્લોગ શેર કરીને ભારતમાં કંપની કેવી રીતે મદદ કરશે તેની વિગતવાર જાણકારી આપી હતી. આ સહાય અંતર્ગત જેમને રોજિંદી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળતી નથી, તેવા ગરીબ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે રોકડ રકમ અપાશે. બીજી ગ્રાન્ટ યુનિસેફને અપાશે. એ રકમ યુનિસેફ જરૂરતમંદ વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે કરશે.
બ્લોગમાં કહેવાયું હતું એ પ્રમાણે ગૂગલના ૯૦૦ કર્મચારીઓએ કપરા કોરોનાકાળમાંથી પસાર થઈ રહેલાં દેશોને મદદ કરવા માટે ૩.૭ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તે સિવાયની રકમ કંપની તેના ફંડમાંથી આપશે.
ભારતીય મૂળના બીજા એક સીઈઓએ પણ મદદની જાહેરાત કરી હતી.માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાએ ટ્વિટરમાં કહ્યું હતું કે માઈક્રોસોફ્ટ ભારતને કોરોના સામે લડવા માટે શક્ય એટલી ટેકનિકલ સહાય આપશે. એમાં જરૂરી ઓક્સિજન ઈક્વિપમેન્ટથી લઈને હેલ્થના સાધનોનો સમાવેશ થાય છે. નાડેલાએ અમેરિકન સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમેરિકન સરકારે ભારતને મદદની જાહેેરાત કરી છે તે આવકારદાયક છે.
અમેરિકાએ સત્તાવાર રીતે ભારતને મદદ કરવાની તૈયારી બતાવી પછી પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે પણ ભારતને મદદ પહોંચાડાશે તેવી સત્તાવાર જાહેરાતા કરી હતી. બાઈડેને એક ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતને જરૂરી મેડિકલ સામગ્રી આપવામાં આવશે. ઉપપ્રમુખ કમલા હેરિસે ટ્વિટરમાં લખ્યું હતું કે ભારત અને અમેરિકાના અધિકારીઓ સંપર્કમાં છે અને મેડિકલ સહાય ભારતમાં પહોંચે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રીએ પેન્ટાગોનના અધિકારીઓને આદેશ આપ્યો છે કે ભારતના હેલ્થકેર વર્કર્સને જરૂરી મેડિકલ સહાય મળે તેવા પગલાં તુરંત ભરો. પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસની ટ્વિટ્સ પછી સંરક્ષણ મંત્રીએ ડિફેન્સ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે આગામી દિવસોમાં ભારતને ઓક્સિજન, રેપિડ કિટ, પીપીઈ કિટ વગેરે આપવામાં આવે તેની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરો.
અમેરિકા ભારતને વેક્સિન માટે કાચી સામગ્રી આપે તેવી માગણી છેલ્લાં ઘણા દિવસથી ઉઠી હતી. જો અમેરિકા વેક્સિન માટેની સામગ્રી પર લાગેલો પ્રતિબંધ હટાવે તો ભારતમાં વેક્સિનેશનના મિશનને ઝડપી બનાવી શકાય એવી રજૂઆતો અમેરિકન સરકાર સમક્ષ થઈ હતી. એ પછી અમેરિકન સરકારે મદદની જાહેરાત કરી હતી.