પ્રસિદ્ધ કૃષ્ણાની આગેવાનીમાં વેધક બોલિંગ બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈયોન મોર્ગન (અણનમ 47 રન) અને રાહુલ ત્રિપાઠી (41 રન)ની ઈનિંગની મદદથી સતત ચાર મેચ હાર્યા બાદ સરળ જીત હાંસલ કરી હતી. કોલકત્તાએ પંજાબ કિંગ્સને હરાવી ટૂર્નામેન્ટનો બીજો વિજય મેળવ્યો છે. કોલકત્તાએ પહેલાં પંજાબને નવ વિકેટે 123 રને અટકાવી દીધું અને પછી 16.4 ઓવરમાં પાંચ વિકેટે 126 રન બનાવી લીધા હતા.
કોલકત્તાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને તેની 17 રનમાં જ ત્રણ વિકેટ પડી ગઈ હતી પરંતુ રાહુલ ત્રિપાઠીએ ઈયોન મોર્ગન સાથે ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. રાહુલનો શિકાર દીપક હુડ્ડાએ કર્યો હતો. તેણે 32 બોલમાં સાત ચોગ્ગા લગાવ્યા હતા. ત્યારપછી રસેલ સસ્તામાં રનઆઉટ થઈ ગયો. આ પછી દિનેશ કાર્તિકે ઈયોન મોર્ગન સાથે ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી.
આ પહેલાં પંજાબની ટીમ પ્રારંભીક ઓવરમાં જ સારી સ્થિતિમાં દેખાયા બાદ વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. ક્રિસ જોર્ડને અંતિમ ક્ષણોમાં 18 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. તેના ઉપરાંત મયંક અગ્રવાલે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા પરંતુ અન્ય બેટસમેનો ટકી શક્યા નહોતા. પંજાબના છ બેટધરો તો બે આંકના સ્કોર સુધી પણ નહોતા પહોંચી શક્યા.
પંજાબ વતી રમતાં નિકોલસ પુરન (19 રન) પાસે પોતાને સાબિત કરવાની તક હતી પરંતુ તે ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને વરુણ ચક્રવર્તીના બોલ પર બોલ્ડ થયો હતો. યુવા શાહરૂખ ખાને પર ડેથ ઓવરોમાં પ્રભાવ છોડવામાં નિષ્ફળ નિવડી 13 રને ચાલતી પકડી હતી. જોર્ડને આઉટ થતાં પહેલાં કમિન્સની બોલિંગમાં છગ્ગો લગાવ્યો હતો અને ત્યારબાદ અંતિમ ઓવરમાં બે છગ્ગા લગાવ્યા હતા. ત્રણ વિકેટ લેનારો પ્રસિદ્ધ કૃષ્ણા કેકેઆરનો સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ઉપરાંત સુનિલ નારાયણે બે, પેટ કમિન્સે બે, વરુણ-શિવમે એક-એક વિકેટ ઝડપી હતી.