કોરોના માટે ચૂંટણી પંચ જવાબદાર, હત્યાનો ગુનો દાખલ કરો : મદ્રાસ હાઇકોર્ટ

ચેન્નાઇ : કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રીલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થઇ ગયું હતું જ્યારે બંગાળનું મતદાન હજુ પણ પૂર્ણ નથી થયું. એવામાં તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાંટકણી કાઢી છે અને કહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવો અયોગ્ય હતો, જે પણ ચૂંટણી અધિકારીઓ હોય તેમની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ.

મદ્રાસ હાઇકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે હાલ કોરોના મહામારીની જે બીજી લહેર ચાલી રહી છે તેના માટે ચૂંટણી પંચ સંપૂર્ણપણે જવાબદાર છે અને તેની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. પાંચ રાજ્યોમાં ન માત્ર ચૂંટણી યોજવાની મંજૂરી આપી સાથે જ નેતાઓને ખુલ્લેઆમ ચૂંટણી પ્રચાર માટે ભીડ એકઠી કરી રેલીઓ કરવાની પણ છૂટ આપી હતી. જેને પગલે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચનો ઉધડો લીધો હતો. સાથે ચીમકી આપી હતી કે જો બ્લૂપ્રિન્ટ રજુ ન કરાઇ તો જે મતગણતરી થવા જઇ રહી છે તેને અટકાવવાનો આદેશ આપીશું.

ચૂંટણી પંચને રોકડુ પરખાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર માટે તમે જ જવાબદાર છો અને તમારા અધિકારીઓની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. સાથે સવાલ કર્યો હતો કે કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતા નેતાઓને ચૂંટણી પ્રચાર માટે રેલીઓ કરવાની છૂટ આપી જ કેમ? કોર્ટે કહ્યું હતું કે રેલીઓ વગેરેમાં કોરોનાની ગાઇડલાઇન જેમ કે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર વગેરેનું પાલન કરવાનો આદેશ કોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું હતું.  હાલ જે પણ રાજ્યોમાં મતદાન થયું ત્યાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે જેને પગલે હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *