અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે. જોકે, આવતીકાલે વાતાવરણમાં પલટો થતાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે બુધવારે બનાસકાંઠા-પાટણ-ડાંગ-વલસાડ-નવસારી-રાજકોટ-અમરેલી-જુનાગઢ-કચ્છ, ગુરુવારે કચ્છ-રાજકોટ-અમરેલી-જુનાગઢ, શુક્રવારે બનાસકાંઠા-સાબરકાંઠા-રાજકોટ-અમરેલી-જુનાગઢ-ભાવનગર-કચ્છમાં, શનિવારે બનાસકાંઠા-પાટણ-આણંદ-ભરૃચ-કચ્છ-રાજકોટ-અમરેલી-જુનાગઢ-ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે દિવસ દરમિયાન ૪૩.૧ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ૪૨.૯ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૪૧.૪, સુરતમાં ૩૫.૬, રાજકોટમાં ૪૨.૩, ભાવનગરમાં ૩૮.૫, ભૂજમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૭, ગાંધીનગરમાં ૪૩, દીવમાં ૩૫.૨, વલ્લભ વિદ્યાનગરમાં ૪૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.