અમદાવાદ : કોરોના ચિંતાજનક રીતે વકરતાં અમદાવાદમાં એક અઠવાડિયાનું મિની લોકડાઉન અમલી બનાવાયું છે. તા. ૨૮ રાતથી એટલે કે મંગળવારે રાતે ૧૨ વાગ્યાથી મિની લોકડાઉન અમલમાં આવ્યું છે જે આગામી તા. પાંચ મેના રાતે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. મિની લોકડાઉન અંતર્ગત કરિયાણુ, દૂધ, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રહેશે. ખાદ્ય સામગ્રીના વેચાણ સિવાય લોકોની અવરજવર સીમિત કરવા માટે મંદિરો અને મોલ બંધ રાખવા નિર્ણય કરાયો છે. બેન્કીંગ સેક્ટર ચાલુ રહેશે પણ ખાનગી ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીની જ હાજરી રાખી શકાશે પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડતાં નિયમભંગ કરનાર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તા.૨૭ન મંગળવારે નવું જાહેરનામું બહાર પાડયું છે તે મુજબ તા. ૨૮ એપ્રિલથી તા. પાંચ મે સુધી રાત્રે ૮થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. રાત્રી કરફ્યૂ દરમિયાન બિમાર વ્યક્તિ, સગર્ભે કે અશક્ત વ્યક્તિને એટેન્ડન્ટ સાથે સારવાર માટે અવરજવર કરવાની છૂટ રહેશે. મુસાફરોએ રેલવે, એરપોર્ટ કે બસની ટિકિટ રજૂ કરશે તો અવરજવર કરી શકશે. આવશ્યક સેવા સાથે સંકળાયેલા વ્યક્તિઓએ જરુરી ઓળખપત્ર આપવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળવા માટેના પૂરતા પૂરાવા આપવાના રહેશે. આવા સંજોગોમાં પણ નાગરિકે ફરજ પરના અધિકારી, કર્મચારી સાથે માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
રાત્રી કરફ્યૂ સિવાય દિવસના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં નિયંત્રણ મુકવામાં આવ્યાં છે. તા. ૨૮ એપ્રિલથી તા. પાંચમી મે દરમિયાન તમામ આર્થિક, વ્યાપારિક પ્રવત્તિ જેવી કે દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (ટેક-અવેની છૂટ), તમામ લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, ગુજરી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો, સિનેમા થિએટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂમ સ્પા, બ્યૂટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્સ બંધ રહેશે. કરિયાણું, દૂધ-દવા, શાકભાજી જેવી જીવનજરુરી ચિજવસ્તુ સિવાયના તમામ ધંધા-રોજગાર બંધ રહેશે.
શાકભાજી અને ફળફળાદીના ખરીદ-વેચાણ સિવાય તમામ માર્કેટિંગ યાર્ડ અને માર્કેટ પણ બંધ રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેન્ક, ફાઈનાન્સ ટેકનીકલ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવા, બેન્કોના ક્લિયરિંગ હાઉસ, એટીએમ, સીડીએમ રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપની તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડા સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્ટેડિયમ, સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. (આ છૂટછાટ આઈપીએલ સંબંધે છે) જ્યારે, તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની પૂજા-વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો, પૂજારીએ કરવાની રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.
લગ્ન સમારંભમાં મહત્તમ ૫૦ વ્યક્તિને મંજુરી રહેશે અને આ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી ફરજીયાત છે.
અમદાવાદમાં શું ચાલુ રહેશે ?
– દવાખાના, હોસ્પિટલો, દવાની દુકાનો
– મેડિકલ, પેરામેડિકલ અને આનુસંગિક આરોગ્યલક્ષી સેવા
– ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ
– શાકભાજી, માર્કેટ, ફૂટ માર્કેટ
– કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્યસામગ્રી
– અનાજ અને મસાલા દળવાની ઘંટી
– ઘથ્થ્થુ ટિફિન સર્વિસ, હોટલ અને ટેક-અવે
– ઈન્ટરનેટ, ટેલિફોન અને મોબાઈલ સર્વિસ
– આઈટી અને આઈટી સંબંધિત સેવાઓ
– પેટ્રોલ, ડિઝલ, એલપીજી
– પોસ્ટ અને કુરિયર સર્વિસ
– ખાનગી સિક્યુરિટી સેવા
– બાંધકામને લગતી પ્રવત્તિ
અમદાવાદમાં શું બંધ રહેશે ?
– દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ
– ટેક-અવે સિવાય રેસ્ટોરન્ટ
– મોલ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, ગુજરી બજાર
– શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો
– સિનેમા થિએટરો, ઓડિટોરીયમ
– વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા
– મનોરંજક સ્થળો
– સલૂન, સ્પા, બ્યુટી પાર્લર
– જીમ, સ્વિમિંગ પૂલ
– માર્કેટિંગ યાર્ડ, માર્કેટો
– તમામ પ્રકારના મેળાવડા
– મંદિરો સહિત તમામ ધાર્મિક સ્થળો