મુંબઇ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર સહિત ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ભારે અકળ અને તોફાની બની રહ્યું છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગાજવીજ,તોફાની પવન,વરસાદ અને કરા પડવાનો ચિંતાજનક માહોલ સર્જાઇ રહ્યો છે.
બીજીબાજુ છેલ્લા એકાદ અઠવાડિયાથી મુંબઇગરાં અસહ્ય ભેજના દરિયામાં સ્નાન કરી રહ્યાં છે.વાતાવરણમાં ૭૦-૮૦ ટકા જેટલો ઘણો વધુ ભેજ હોવાથી મુંબઇગરાંને અકળામણ,બફારો અને ગરમીનો અનુભવ થાય છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૮ અને લઘુત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૪ અને લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૯- ૭૯ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૩-૭૦ ટકા નોંધાયું હતું. કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા જેટલું અતિ વધુ નોંધાયું હતું.
મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન આકાશ વાદળિયું રહેશે.સાથોસાથ અમુક વિસ્તારોમાં હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે સેનગાંવમાં ૧ સેન્ટીમીટર(૧૦ મિલિમીટર),કોલ્હાપુર-૨,કાવીર-૨, નાશિક-૧ સેન્ટીમીટર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. ઉપરાંત, છેલ્લા બે દિવસમાં કોંકણ( કણકવલી, સાવંતવાડી,સિંધુદુર્ગ) અને મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,પુણે,અહમદનગર,પીંપરી) માં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ સાથે કરાનું તોફાન સર્જાયું હતું. આવા કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતો પાકને ભારે નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
શુભાંગી ભૂતેએ એવી આગાહી પણ કરી છે કે હાલ મધ્ય પ્રદેશના ઇશાન ભાગથી વિદર્ભ સુધીના આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથોસાથ પશ્ચિમ વિદર્ભથી કર્ણાટક થઇને તામિલનાડુ સુધીના ગગનમાં પણ ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. ઉપરાંત, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને તેની નજીકના આકાશમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની ઘેરી અસરથી આવતા ચાર દિવસ(૧,૨,૩,૪-મે) દરમિયાન કોંકણ(પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરિ,સિંધુદુર્ગ) મધ્ય મહારાષ્ટ્ર( નાશિક, ધુળે, નંદુરબાર, જળગાંવ, પુણે, અહમદનગર, કોલ્હાપુર, સાંગલી, સાતારા, સોલાપુર) , મરાઠવાડા( ઔરંગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ) અને વિદર્ભ( અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, વર્ધા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોળી, ગોંદિયા)માં વીજળીના પ્રચંડ કડાકા,મેઘગર્જના, તોફાની પવન, વરસાદ અને કરા પડવાની શક્યતા છે.
આજે વિદર્ભનાં બ્રહ્મપુરીમાં મહત્તમ તાપમાન ૪૫.૦ ડિગ્રી, ચંદ્રપુર-૪૪.૦, અકોલા-૪૩.૦, નાગપુર-૪૩.૦, યવતમાળ-૪૩.૦, અમરાવતી-૪૨.૦, બુલઢાણા-૪૧.૦, મધ્ય મહારાષ્ટ્રનાં જળાગાંવ-૪૨.૨, માલેગાંવ-૪૦.૬ અને મરાઠવાડાનાં પરભણીમાં ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.