મહારાષ્ટ્રમાં લૉકડાઉનને 15 દિવસ માટે વધારી દેવાતા ફિલ્મ તથા ટીવી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની મુસીબતમાં વધારો થયો છે. સિને એમ્લોઈઝના સંગઠનના ફેડરેશન FWICEએ કહ્યું હતું કે લૉકડાઉન વધ્યું તો એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે તે નક્કી છે. સરકારને આ વાત પહેલાં જ કહી હતી, પરંતુ તેમણે અમારી વાત માની નહીં. બીજા રાજ્યમાં બાયોબબલમાં શૂટિંગ થઈ રહ્યું છે, મુંબઈ તો સિને ઇન્ડસ્ટ્રીનું હબ છે, અહીંયા પણ પરવાનગી મળવી જોઈએ. સરકાર કોઈ રાહત પેકેજ કે કેશ રિલીફ પણ આપતી નથી. આખરે પાંચ લાખથી વધુ લોકોની રોજગારીનો સવાલ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને કારણે સરકારે 14 એપ્રિલથી રાતના આઠથી 1 મે સવારના સાત વાગ્યા સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. આ સાથે જ આખા રાજ્યમાં કલમ 144 લાગુ કરી હતી. 15 દિવસના લૉકડાઉનને કારણે ફિલ્મ, ટીવી સિરિયલ્સ, એડનું શૂટિંગ અટકી પડ્યું છે. આ કારણે ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીના ટેક્નિશિયન તથા ક્રૂ મેમ્બર્સ સૌથી વધારે પ્રભાવિત થયા છે. તમામને આશા હતી કે પહેલી મેથી શૂટિંગ ફરી શરૂ થશે, પરંતુ સરકારે બીજા 15 દિવસનું લૉકડાઉન લગાવી દીધું. આ જ કારણે લાખો ટેક્નિશિયન તથા ક્રૂ મેમ્બર્સ સામે રોજગારીનું સંકટ ઊભું થયું છે.