સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જીવાદોરી સમાન ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછતનો ફાયદો ઉઠાવીને લેભાગુ તત્વો નકલી ભેળસેળયુક્ત ઇન્જેક્શન ઊંચા ભાવે વેચી રૂપિયા કમાતા હોવાનાં કૌભાંડનો અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં ભાંડાફોડ થયા બાદ હવે આવી જ ફરિયાદોને પગલે મોરબી પોલીસ હરકતમાં આવી હતી. જેમાં આજે રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઈન્જેક્શન કોભાંડનો પર્દાફાશ કરીને મોરબી એલસીબી ટીમે અમદાવાદ અને સુરત પોલીસની ટીમોની મદદથી મોરબી, સુરત, અમદાવાદ સહિતના સ્થળેથી દરોડા પાડીને રૂા. ૨.૭૩ કરોડથી વધુના મુદામાલ સાથે મોરબી, અમદાવાદ, સુરત અને મુંબઈનાં છ ઇસમોને દબોચી લેવામાં સફળતા મળી છે.
રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે અમુક ઈસમો ઇન્જેક્શનનું ડુપ્લીકેશન તેમજ બ્લેક માર્કેટિંગ કરી વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ અને મોરબીનાં એસપી એસ. આર. ઓડેદરાની સુચનાથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ વી. બી. જાડેજાની ટીમે બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
જે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબીમાં શક્તિ ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રાહુલ લુવાણા નામનો શખ્સ તેના સાગરીતો સાથે મળીને ભેળસેળયુક્ત નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાખી કાળાબજારમાં ઉંચા ભાવે વેચાણ કરી રહયો છે. પરીણામે એલસીબી ટીમે વોચ ગોઠવીને રાહુલ અશ્વિન કોટેચા અને રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી (રહે. બંને મોરબી)ને રૂા. ૧,૯૬,૮૦૦ની કિંમતનાં ૪૧ નંગ રેમડેસીવીર ઇન્જેક્શન અને ઇન્જેક્શન વેચાણની આવકનાં રૂા. ૨,૧૫,૮૦૦ સાથે ઝડપી લીધા હતા.
બન્ને શખ્સોની આકરી પુછતાછ કરતા તેઓએ અમદાવાદના જુહાપુરામાં રહેતા આશીફ નામનાં શખ્સ પાસેથી ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી મોરબી પોલીસ ટીમ અમદાવાદ પહોંચી હતી અને મહમદ આશિમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરીના ઘરે દરોડા પાડી રૂા. ૫૬.૧૬ લાખની કિંમતનાં ૧૧૭૦ નંગ નકલી ઇન્જેક્શન અને ઇન્જેક્શન વેચાણનાં રૂા. ૧૭.૩૭ લાખની રોકડ સાથે બંનેને ઝડપી લીધા હતા. તેઓની પુછતાછમાં સુરતના રહેવાસી કૌશલ વોરાનું મુખ્ય સુત્રધાર તરીકે નામ ખુલતા મોરબી પોલીસ ટીમ તપાસ માટે સુરત પહોંચી હતી. જયાં સુરતના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મહાઉસ ભાડે રાખીને કૌશલ વોરા નામનો શખ્સ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનું કારસ્તાન કરતો હોય, સુરત ક્રાઈમ બ્રાંચની મદદથી ફાર્મ હાઉસ ખાતે રેડ કરી મુખ્ય સુત્રધાર કૌશલ મહેન્દ્ર વોરા (રહે. અડાજણ, સુરત) અને તેના ભાગીદાર પુનીત ગુણવંતલાલ શાહ (રહે. મુંબઈ)ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂા. ૭.૬૮ લાખની કિંમતનાં ૧૬૦ નંગ નકલી ઇન્જેક્શન અને ઇન્જેક્શન વેચાણના રૂા. ૭૪.૭૦ લાખની રોકડ તેમજ એક લેપટોપ, ડીજીટલ કાંટા, સ્ટીકર, મશીન અને ઈનોવા કાર સહિતનો મુદામાલ કબજે લીધો હતો.
બીજી તરફ અમદાવાદ ખાતે તપાસમાં થયેલી પોલીસ ટીમની વોચ દરમિયાન કોઈ રીતે ખબર પડી જતાં સિરાજખાન ઉર્ફે રાજુ પઠાણનો શખ્સ ભાડાની ટાવેરા કારમાં રૂા. ૯૬ લાખની કિંમતનાં ૨૦૦૦ નંગ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મુકીને નાસી ગયો હતો. આમ પોલીસે મોરબી અને અમદાવાદનાં બે-બે તથા સુરત અને મુંબઈનાં એક-એક મળીને છ શખ્સોને ઝડપી લીધા હતા તો સિરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ (રહે. કતારગામ, સુરત અને કલ્પેશકુમાર મોહનભાઈ પ્રજાપતિ (રહે. ભરૂચ) એમ બે શખ્સો ફરાર થઈ ગયા હોવાથી પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.