ધમકીઓ મળ્યા બાદ સીરમના સીઈઓ અદાર પુનાવાલા લંડન જતા રહ્યા

કોરોનાની વેક્સિનને લઈને અદાર પુનાવાલા પર ભારે દબાણ થઈ રહ્યું હતું. ધમકીઓ મળી રહી હતી. એ પછી સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ અદાર પુનાવાલા લાંબાં સમય માટે લંડન ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં રસીકરણની બધી જ જવાબદારી હું એકલો કેવી રીતે પાર પાડી શકું? બધી જ જવાબદારી મારા પર નાખી દેવામાં આવી હતી.

એક ઈન્ટરવ્યૂમાં અદાર પુનાવાલાએ ઘટસ્ફોટ કર્યો હતો કે ભારતના કેટલાક શક્તિશાળી લોકો તેમને વેક્સિનનું ઉત્પાદન વધારવા મુદ્દે ધમકીઓ આપતા હતા. એ પછી મેં લંડનમાં લાંબાં સમય માટે રહેવાનો નિર્ણય કર્યો છે. આવી પરિસ્થિતિમાં હું ભારત પાછો ફરવા ઈચ્છતો નથી. બધું જ મારા ભરોસે, મારા ખભા પર મૂકી દેવામાં આવ્યું છે, પરંતુ હું એકલો કેટલું કરી શકું? બધાની અપેક્ષા વધારે હતી, પરંતુ બધી જ વ્યવસ્થા રાતોરાત ન થાય એ સમજવાની કોઈની તૈયારી ન હતી.

ઈન્ટરવ્યૂમાં તેમણે ભારતની બહાર વેક્સિનનું ઉત્પાદન કરવાના સંકેત પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતં, કે ભારતને અને વિશ્વને ઝડપથી વેક્સિન મળે તે માટે હું પ્રતિબદ્ધ છું અને એ માટે ભારત બહાર પણ ઉત્પાદન અંગે વિચારાઈ રહ્યું છે. કદાચ બ્રિટનમાં પણ વેક્સિનનું ઉત્પાદન થઈ શકે છે એવી પણ અટકળો થઈ  રહી છે. દેશમાં કોરોનાની વધતી જતી રફતાર વચ્ચે વેક્સીન પ્રોગ્રામને પણ વેગવંતો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ કેટલાક રાજ્યો વેક્સીનની અછત હોવાની ફરિયાદ કેન્દ્રને કરી ચુકયા છે. વેક્સીન નહીં હોવાના કારણે રસીકરણ અભિયાન પર બ્રેક વાગી છે.

આ સંજોગોમાં સીરમ ઈન્સ્ટિટયુટના સીઈઓ અદાર પૂનાવાલાનું કહેવુ છે કે, વેક્સીન પ્રોડક્શન વધારવા માટે બીજા દેશોમાં પણ ઉત્પાદન કરવા માટે વિચાર થઈ રહ્યો છે. આ અંગે બહુ જલ્દી નિર્ણય લેવાશે. થોડા દિવસ પહેલાં તેમણે કહ્યુ હતુ કે, સીરમ ઈન્સ્ટિટયુટ જુલાઈ સુધી પોતાની ક્ષમતાને ૧૦૦ મિલિયન ડોઝ સુધી વધારશે. બીજા શબ્દોમાં કહીએ તો સીરમ ઈન્સ્ટિટયુટ દર મહિને રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરશે. સીરમ ઈન્સ્ટિટયુટની વાષક પ્રોડક્શન ક્ષમતા ૬ મહિનામાં વધારીને ૩ અબજ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *