રાજભવન ખાતે મમતા બેનર્જીએ ગ્રહણ કર્યા શપથ, ત્રીજી વખત બન્યા બંગાળના CM

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ મમતા બેનર્જીએ આજે (બુધવારે) ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ ફરી એક વખત બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની ગઈ છે. કોરોના સંકટ અને તેની ગાઈડલાઈન્સના કારણે શપથ ગ્રહણ સમારંભ ખૂબ જ નાનો એવો રાખવામાં આવ્યો હતો.

મમતા બેનર્જીએ એકલાએ જ શપથ ગ્રહણ કર્યા છે અને કોઈ મંત્રીએ તેમના સાથે શપથ ગ્રહણ નથી કર્યા. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ જ જોવા મળ્યા હતા. બંનેએ એકબીજા સામે હાથ જોડીને અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.

શપથ ગ્રહણ સમારંભમાં ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહી ચુકેલા પ્રશાંત કિશોર ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પણ હાજરી આપી હતી. ભાજપે આ સમારંભનો બહિષ્કાર કર્યો હતો અને કોઈ ઉદ્યોગપતિ પણ તેમાં હાજર નહોતા રહ્યા. પ્રદીપ ભટ્ટાચાર્ય અને ટીએમસીના કેટલાક ધારાસભ્યોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ખૂબ જ તાકાત લગાવી હતી પરંતુ ટીએમસીની આંધી સામે તે નહોતું ટકી શક્યું. 292 બેઠકોમાંથી 213 બેઠકો પર ટીએમસીએ વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપે માત્ર 77 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *