મમતા આજે ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા; પરંતુ જો શરત પૂરી નહીં કરે તો 6 મહિનામાં પદ છોડવું પડશે

મમતા બેનર્જી આજે ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ બીજી વખત છે જ્યારે મમતા બંગાળ વિધાનસભાના ધારાસભ્ય ન હોવા છતાં પણ રાજ્યનો હવાલો સંભાળશે. અગાઉ 2011માં જ્યારે મમતા પહેલી વખત મુખ્યમંત્રી બની હતી ત્યારે તે લોકસભા સાંસદ હતી.

આ વખતે તે નંદીગ્રામથી પોતાના જૂના સહયોગી અને ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીની સામે ચૂંટણી હારી ગઈ. હાર બાદ પણ મમતા રાજ્યની મુખ્યમંત્રી બની શકે છે, પરંતુ છ મહિનાની અંદર તેમને રાજ્યની કોઈપણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતવી પડશે. જો આવું નહીં થાય તો તેમણે મુખ્યમંત્રીનું પદ છોડવું પડશે.

ધારાસભ્ય વિના મમતા મુખ્યમંત્રી તરીકે કેટલા સમય સુધી રહી શકે છે?
બંધારણની કલમ 164(4) કહે છે કે, કોઈપણ વ્યક્તિ કોઈ રાજ્યમાં મંત્રી પદની શપથ લઈ શકે છે, પરંતુ છ મહિનાની અંદર તેને કોઈપણ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાઈને આવવું પડશે. જો રાજ્યમાં વિધાન પરિષદ છે તો તેઓ MLC તરીકે પણ ચૂંટાઇ શકે છે. મુખ્યમંત્રી પણ એક મંત્રી હોય છે, તેથી આ નિયમ તેમના પર પણ લાગુ થાય છે.

મમતા 2011માં મુખ્યમંત્રી પદના શપથ લીધાના 18 વર્ષ બાદ રોઇટર્સ બિલ્ડિંગમાં ગઈ હતી
મમતા 2011માં મુખ્યમંત્રી પદના શપથ લીધાના 18 વર્ષ બાદ રોઇટર્સ બિલ્ડિંગમાં ગઈ હતી

છ મહિના બાદ શું ફરીથી શપથ લેશે અને છ મહિના માટે મુખ્યમંત્રી નહીં બની શકે?
સુપ્રીમ કોર્ટે 2001માં કોઈપણ મંત્રી અથવા મુખ્યમંત્રીને ગૃહના સભ્ય બન્યા વિના ફરીથી શપથ લેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ આદેશ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પુત્ર તેજ પ્રકાશ સિંહને મંત્રી બનાવવાની બાબતમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ગૃહના ધારાસભ્ય અથવા MLC બન્યા વિના બે વાર મંત્રી બની શકશે નહીં.

બંગાળમાં 1969માં વિધાન પરિષદ નાબૂદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં મમતાને મુખ્યમંત્રી પદ પર રહેવા માટે છ મહિનાની અંદર કોઈપણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે.

મમતા પેટા ચૂંટણીમાં હારી જાય તો શું થશે? શું આવું પહેલાં પણ બન્યું છે?
પેટાચૂંટણીમાં હાર બાદ મમતા પાસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં. મુખ્યમંત્રી રહેતા નેતા ચૂંટણી નથી હારતા, તેવું કહી શકાતું નથી. 2009માં ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેન તમામ બેઠક પરથી પેટા-ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું હતું. કદાચ આ બીજી વખત હતું કે પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રીનો પરાજય થયો હોય.

અગાઉ 1970માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ત્રિભુવન નારાયણ સિંહ ગોરખપુરની મણીરામ બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા હતા. ત્યારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ત્રિભુવન નારાયણ વિરુદ્ધ પ્રચાર કરવા પહોંચ્યા હતા. આ પહેલી વખત હતું જ્યારે કોઈ પેટા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રીએ રેલીઓ કાઢી હોય. હાર બાદ ત્રિભુવન નારાયણને પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના કમલાપતિ ત્રિપાઠી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

વર્તમાન મુખ્યમંત્રીઓમાં એવું કોઈ છે કે જેમણે ધારાસભ્ય અથવા MLC વિના શપથ લીધા હોય?
સૌથી તાજુ ઉદાહરણ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત. રાવત ગઢવાલના સાંસદ છે. તેમને 10 સપ્ટેમ્બર પહેલા વિધાનસભા ચૂંટણી જીતવી પડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ પણ શપથ લેતી વખતે કોઈપણ ગૃહના સભ્ય નહોતા. બાદમાં બંને વિધાન પરિષદના સભ્ય બન્યા.

ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર 2017ની ગોવા વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર 2017ની ગોવા વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.

મમતા પહેલા વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય કોઈ મુખ્યમંત્રી હારી ગયા છે?
2017ની ગોવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર ચૂંટણી હારી ગયા હતા. પરંતુ તેમની પાર્ટી સત્તામાં પાછી આવી. ત્યારબાદ ભાજપના પારસેકરની જગ્યા રક્ષા મંત્રી મનોહર પર્રિકરને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા.

એવા ઘણા નેતાઓ છે જે ચૂંટણી પહેલા CM ઉમેદવાર અથવા CM પદના દાવેદાર હતા. વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે. 2017ની હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રેમ કુમાર ધૂમલ CM પદનો ચહેરો હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા. તેમની જગ્યાએ જયરામ ઠાકુર મુખ્યમંત્રી બન્યા. 2014માં ઝારખંડમાં ભાજપનો વિજય થયો હતો. મુખ્યમંત્રી પદની રેસમાં અર્જુન મુંડા સૌથી આગળ હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. 1996માં કેરળમાં ડાબેરીઓનો વિજય થયો, પરંતુ મુખ્યમંત્રી પદનો ચહેરો રહેલા વીએસ અચ્યુતનંદન પણ ચૂંટણી હારી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *