મુંબઈ : ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે બેતરફી વધઘટે ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. બાઈંગ વધ્યું હતું. અમેરિકામા ંબેરોજગારીના દાવાઓ જોકે ઘટયા છે પરંતુ સામે ત્યાં જોબગ્રોથના આંકડા આજે અપેક્ષાથી અત્યંત નબળા આવતાં તથા બેરોજગારીનો દર ઉંચકાતાં વિશ્વબજારમાં ડોલરના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા અને તેના પગલે સોનામાં તથા ક્રિપ્ટો કરન્સીઓમાં બાઈંગ તથા ભાવ વધ્યા હતા. દરમિયાન, ટેસ્લા તથા સ્પેસ એક્સના અધ્યક્ષ એલન મસ્ક દ્વારા અમેરિકાના શનિવારે આજે ટીવી કાર્યક્રમ સેટરડે નાઈટ લાઈવમાં ક્રિપ્ટો કરન્સી વિશે તથા વિશેષરૂપે ડોગેકોઈન વિશે કેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.
ડોગેકોઈનના ભાવ આજે નીચામાં ૫૧થી ૫૨ સેન્ટ તથા ઉંચામાં ૬૪થી ૬૫ સેન્ટ રહ્યા પછી ૬૧થી ૬૨ સેન્ટ બોલાઈ રહ્યા હતા. વેપાર વોલ્યુમ આજે ૨૨થી ૨૩ અબજ ડોલર થયું હતું તથા માર્કેટ કેપ વધી ૭૯થી ૮૦ અબજ ડોલરનું નોંધાયું હતું. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે નીચામાં ૫૫૩૨૦ ડોલર તથા ઉંચામાં ભાવ ૫૭૬૨૨થી ૫૭૬૨૩ ડોલર રહ્યા પછી ૫૭૨૦૨થી ૫૭૨૦૩ ડોલર બોલાઈ રહ્યા હતા. ૬૯થી ૭૦ અબજ ડોલરના વેપાર વચ્ચે માર્કેટ કેપ વધી આજે ૧૦૭૦ અબજ ડોલર થયું હતું. બિટકોઈનમાં હવે ઉંચામાં પ્રતિકાર સપાટી ૫૮ હજાર તથા ૬૦ હજાર ડોલરની તથા નીચામાં સપોર્ટ લેવલ ૫૪ હજાર તથા ૫૨ હજાર ડોલરના મનાઈ રહ્યા હોવાનું બજારના ખેલાડીઓએ જણાવ્યું હતું.
દરમિયાન, ઈથેરના ભાવ આજે નીચામાં ૩૩૬૧થી ૩૩૬૨ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૩૬૦૦ ડોલર વટાવી ૩૬૦૭થી ૩૬૦૮ ડોલર થતાં નવો રેકોર્ડ બનાવી ભાવ ત્યારબાદ ૩૫૦૭થી ૩૫૦૮ ડોલર બોલાઈ રહ્યા હતા. ઈથેરમાં આજે વેપાર વોલ્યુમ ૫૦થી ૫૧ અબજ ડોલરનું થયું હતું તથા માર્કેટ કેપ વધી ૪૦૬થી ૪૦૭ અબજ ડોલર થયાનુ ંબજારના સૂત્રોએ જણાવ્યું હતું. ઈથેરના ભાવ હજી ઉપર જશે એવો સંકેત ઈથેરના કો-ફાઉન્ડર એન્થની ડાઈલોરીઓએ આપ્યાના નિર્દેશો દરીયાપારથી મળ્યા હતા.