હિંદ મહાસાગરમાં પડ્યો ચીની રોકેટનો કાટમાળ, વાયુમંડળમાં પ્રવેશતા જ નષ્ટ કરવામાં આવ્યો મોટો હિસ્સો

ગત સપ્તાહે લોન્ચ થયેલા ચીનના સૌથી મોટા રોકેટના અવશેષો હિંદ મહાસાગરમાં ખાબક્યા છે. ધરતીના વાયુમંડળમાં પ્રવેશ્યા બાદ આ કાટમાળ હિંદ મહાસાગરમાં ખાબક્યો હતો. જો કે, વાયુમંડળમાં પ્રવેશ સાથે જ કાટમાળના મોટા હિસ્સાને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચીનના વિદેશ મંત્રાલયે પહેલેથી જ જાણકારી આપી રાખી હતી કે, રોકેટના અવશેષોને ધરતીના વાયુમંડળમાં પ્રવેશ સાથે જ ફરીથી સળગાવી દેવામાં આવશે અને તેનાથી નુકસાનનો અંદાજો પણ ઘટી જશે.

અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને થોડા દિવસ પહેલા ચીનના જે લોન્ગ માર્ચ 5બી રોકેટની ધરતી સાથે અથડાવાની ચેતવણી આપી હતી તે આખરે હિંદ મહાસાગરમાં પડ્યું છે. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે તે ભારતના દક્ષિણપૂર્વમાં શ્રીલંકા અને માલદીવની આજુબાજુમાં પડ્યું છે.

અમેરિકી સ્પેસ ફોર્સના અહેવાલ પ્રમાણે તે 18,000 મીલ પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આવી રહ્યું હતું. આ કારણે તે ક્યાં લેન્ડ થશે તેની પૃષ્ટિ નહોતી થઈ શકી.

અનિયંત્રિત થયા બાદ આ રોકેટ ધરતી તરફ વધવા લાગ્યું હતું અને તે ધરતી સાથે અથડાશે તો નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, નિષ્ણાતોના મતે ધરતીની નજીક આવવા પર આ ચીની રોકેટનો મોટા ભાગનો હિસ્સો બળીને રાખ થઈ જવાનો હતો. ચીને આ રોકેટની મદદથી અંતરિક્ષમાં બનનારા પોતાના સ્પેસ સ્ટેશનનો પહેલો હિસ્સો મોકલ્યો હતો. આ મોડ્યુલનું નામ તિયાન્હે રાખવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *