અમદાવાદમાં અગનવર્ષા : સિઝનમાં પ્રથમવાર ૪૩ ડિગ્રીથી વધુ તાપમાન

અમદાવાદમાં ગરમીના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થયો છે અને હવે સિઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર ગયો છે. આજે ૪૩.૧ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું. અમદાવાદ ઉપરાંત ૮ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચમાંથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં મે મહિનામાં કમસેકમ એકવાર મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પાર જવાનો ક્રમ આ વર્ષે પણ યથાવત્ રહ્યો છે. જેમાં ૨૦ મે ૨૦૧૬ના ૪૮ ડિગ્રી સાથે ઓલટાઇમ હાઇએસ્ટ ગરમી નોંધાઇ હતી. આજે ૪૩.૧ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૭ ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૩ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો રહી શકે છે. રાજ્યમાંથી અન્યત્ર આજે જ્યાં ૪૧ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું તેમાં સુરેન્દ્રનગર (૪૨.૩), અમરેલી (૪૨.૨), વલ્લભ વિદ્યાનગર (૪૨.૦),ગાંધીનગર- રાજકોટ (૪૧.૮), વડોદરા (૪૧.૪), ડીસા (૪૧.૨)નો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ મધ્ય પ્રદેશ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશથી કર્ણાટકમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના ભાગરૃપે સોમવારે બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-ડાંગ-તાપી-વલસાડ-જુનાગઢ-અમરેલી-કચ્છ, મંગળવારે ડાંગ-તાપી-વલસાડ-જુનાગઢ-અમરેલી-કચ્છ જ્યારે શુક્રવારે બનાસકાંઠા-સાબરકાંઠામાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ‘

ગુજરાતમાં ક્યાં સૌથી વધુ ગરમી?

શહેર             ગરમી

અમદાવાદ       ૪૩.૧

સુરેન્દ્રનગર       ૪૨.૩

અમરેલી         ૪૨.૨

વલ્લભ વિદ્યાનગર  ૪૨.૦

રાજકોટ            ૪૧.૮

ગાંધીનગર        ૪૧.૮

વડોદરા           ૪૧.૪

ડીસા              ૪૧.૨

ભાવનગર         ૪૦.૨

ભૂજ              ૪૦.૦

સુરત             ૩૭.૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *