જામનગરની હોસ્પિટલ વિરૂદ્ધ રેમડેસિવિર ઇન્જેક્શન મામલે ગુનો

જામનગરની ભાગોળે આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ઝીરો સ્ટોક દર્શાવ્યા પછી તપાસ દરમિયાન ૨૨ રેમડેસિવીર ઈન્જેક્શનો મળી આવ્યા હતા, જેથી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું, જે મામલો આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસે હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબ સામે આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહ કરવા અંગે, ઉપરાંત સરકારને ખોટી માહિતી આપવા અંગેની કલમો સબબ ગુનો નોંધ્યો હતો. જામનગર નજીક એરપોર્ટ રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં એસડીએમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં રજીસ્ટરમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ઝીરો હોવાનું જણાવાયું હતું. પરંતુ ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાંથી ૨૨ ઇન્જેક્શનો મળી આવ્યા હતા.

આ મામલો ભારે ગરમાયો હતો, અને હોસ્પિટલમાં રોજકામ વગેરે કરી લેવામાં આવ્યું હતું. બે દિવસની ભારે ગડમથલ પછી આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો  અને પોલીસ દ્વારા હોસ્પિટલના મુખ્ય સંચાલક તબીબ સામે ગુનો નોંધ્યો હતો.

પંચકોશી બી ડિવિઝન ના એએસઆઈ કરણસિંહ જાડેજા સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા છે, અને સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો. કે.ડી.કારિયા તેમ જ તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિના નામો ખુલે તેવો સામે આઈપીસી ૧૭૭ તથા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ -૫૨ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો નોંધીને અલગ અલગ વ્યક્તિઓ અને તબીબોના નિવેદનો નોંધવાનું શરૃ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.  જે તપાસ દરમિયાન જે દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે, અથવા તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે, તેવા દર્દીના નામે પણ  ૨૨ ઇન્જેક્શનો હોસ્પિટલમાં સંગ્રહ કરી રાખ્યા હોવાથી ઉપરોક્ત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *