અમેરિકાને વિશ્વનો સૌથી અમીર દેશ અને સૌથી મોટી અર્થવ્યવસ્થા ભલે માનવામાં આવે પરંતુ સૌથી વધુ અબજોપતિઓના મામલામાં ચીનની કંપનીઓ અમેરિકાની કંપનીઓ કરતા આગળ છે. ચીનની રાજધાની બીંજિગમાં વિશ્વના સૌથી વધુ 100થી વધુ અબજપતિ છે.
એક ખૂબ જ ઓછી ચર્ચામાં રહેનારી બેટરી નિર્માતા કંપનીઓમાં જ 9 અબજપતિ છે. જ્યારે ફેસબુક, વોલમાર્ટ અને ગૂગલ જેવી વિશ્વની સૌથી જાણીતી કંપનીઓમાં માત્ર 8-8 અબજપતિ છે. ચીનની કંપની કન્ટેમ્પરરી ટેક્નોલોજી(CATL) વિશ્વમાં સૌથી વધુ અબજપતિ આપનારી કંપની છે.
BMW, ફોક્સ વેગન અને મર્સિડિઝ-બેંઝ માટે બનાવે છે બેટરી
CATL વિશ્વની સૌથી શાનદાર અને લકઝરી કાર કંપનીઓમાં બીએમડબલ્યુ, ફોક્સ વેગન અને મર્સિડિઝ-બેંઝના ઈલેક્ટ્રિક મોડલ્સ માટે બેટરી બનાવે છે.
વિશ્વમાં ઈલેક્ટ્કિ કારમાં લાગતી 22 ટકા બેટરી માત્ર CATL બનાવે છે
ચીન વિશ્વનું સૌથી મોટું ઓટોમોટિવ અને ઈલેક્ટ્રિક કાર માર્કેટ છે. તેને જોતા CATLએ પોતાની ક્ષમતા શરૂઆતની સરખામણીમાં ઘણી વધારી દીધી છે. એડામાસ ઈન્ટેલિજન્સના જણાવ્યા મુજબ વિશ્વમાં ઈલેક્ટ્રિક કારમાં લાગતી બેટરીઓમાં 22 ટકા બેટરી CATLની બનાવેલી હોય છે. તેનાથી આગળ માત્ર એક જ કંપની છે- એલજી એનર્જી સોલ્યુશન. આ કંપની પોલેન્ડની છે અને તેના બજારમાં તેનો હિસ્સો 28 ટકા છે.
માત્ર 10 વર્ષ જુની છે આ કંપની, ઓછા લોકો તેના વિશે જાણે છે
વિશ્વને સૌથી વધુ અબજોપતિઓ આપનારી CATLની ખાસ વાત એ છે કે તેની સ્થાપના 2011માં થઈ હતી. જોકે કંપનીની પ્રગતિ કોરોના કાળમાં થઈ. છેલ્લા એક વર્ષની અંદર તેના શેરના ભાવ 150 ટકા ઉપર ઉછળ્યા છે.
કંપનીના ફાઉન્ડરની એક વર્ષમાં ત્રણ ગણી વધી સંપતિ, પહેલા ઈલેક્ટ્રોનિક કંપનીમાં હતા એન્જિનિયર
CATLના ફાઉન્ડર અને CEO રોબિન ઝોંગની પાસે કંપનીના 25 ટકા શેર છે. માર્ચ 2020ની સરખામણીમાં રોબિન ઝોંગની સંપતિમાં ત્રણ ગણો વધારો થયો છે. તેઓ ફોર્બ્સના લિસ્ટમાં વિશ્વના સૌથી અમીર લોકોમાં 47માં નંબર છે. માહિતી મુજબ ઝોંગ પહેલા એક ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેકચરિંગ કંપનીમાં એન્જિનિયર હતા. તેમણે 1999માં લિથિયમ આયન બેટરી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પછીથી 2011માં તેમણે CATLની સ્થાપના કરી.
કંપની આટલી ઝડપથી આગળ વધવા પાછળ ચીન સરકારની એક સબસિડી
ચીનની સરકારે 2015માં ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપનીઓને સબસિડી આપવાની શરૂઆત કરી. તેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો, બીજી તરફ સતત વધી રહેલા પ્રદૂષણ અને પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોની વચ્ચે કાર નિર્માતા કંપનીઓએ ઈલેક્ટ્રિક કારો ખૂબ જ સસ્તી હોવાનું જણાવીને પ્રચાર શરૂ કર્યો. તેના કારણે બેટરીની માંગ વધી ગઈ.
CATL પોતાની વેબસાઈટ પર જણાવે છે કે ચીન સરકારની સબસિડીના કારણે તેમને બળ મળ્યું છે. જોકે કંપનીએ પોતાની રણનીતી, સતત નિવેશ, રિસર્ચ અને ડેવલોપમેન્ટને પણ આગળ વધવા માટે મહત્વના કારણો ગણાવ્યા છે. જોકે એમ માનવામાં આવે છે કે કંપની પર ચીનની સરકારની મેહરબાની છે.