અમિતાભ બચ્ચને કોવિડ સેન્ટરને 2 કરોડ રૂપિયા આપ્યા, દુનિયાભરને કોરોના સામે લડી રહેલા ભારતની મદદ કરવા આજીજી કરી

રવિવારે અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વેક્સ લાઈવ ઇવેન્ટની ઝલક કરાવી, તેમણે દુનિયાને ભારતની મદદ કરવા વિનંતી કરી છે. 78 વર્ષીય અમિતાભે આ ગ્લોબલ ઇવેન્ટના પ્રમોશનલ વીડિયોમાં કહ્યું, દુનિયાભરના લોકો ભારતને આ ખતરનાક ઘાતક વાઈરસ સામે લડવામાં મદદ કરે.

‘કોરોના સામે એક થઈને લડો’
બિગ બીએ પોસ્ટમાં વેક્સિનેશન પર પણ ભાર આપ્યો છે. તેમણે લખ્યું, કોરોનાને હરાવવાનો એકમાત્ર રસ્તો છે, વેક્સિનેશન. આથી જોઈન કરો અને સપોર્ટ કરો. કોમેડી સેન્ટ્રલ, વાયાકોમ 18, VH1 અને વિઝક્રાફ્ટ ઇન્ડિયા જેવી કંપની વેક્સ લાઈવ કન્સર્ટ લઇને આવ્યા છે, જેથી દુનિયા કોરોનાવાઇરસ સામે લડવામાં એક થઈ શકે.

આ ઇવેન્ટમાં સેલેના ગોમેઝ, પ્રિન્સ હેરી, મેગન માર્કલ, જેનિફર લોપેઝ સહિત અન્ય સેલેબ્સ પણ સામેલ હતા. ઇવેન્ટ 9 મેના રોજ રાતે યોજાઈ હતી, તેનું રિપીટ ટેલિકાસ્ટ 10 અને 11 મેના રોજ થશે.

વીડિયોમાં બચ્ચને કહ્યું, નમસ્કાર હું અમિતાભ બચ્ચન. મારો ભારત દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગ્લોબલ સિટીઝન તરીકે હું બાકીના ગ્લોબલ સિટીઝનને વિનંતી કરું છું કે, તમારી સરકારો, ફાર્માસ્યુટિકલ કંપની સાથે વાત કરો અને તેમને દાન આપો. જનતાની મદદ કરવી અત્યારે સૌથી મહત્ત્વનું છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, વિનમ્રતાથી તમે આખી દુનિયાને ડગમગાવી શકો છો.

2 કરોડ ડોનેટ કર્યા
એક્ટરે દિલ્હીમાં કોવિડ સેન્ટર માટે 2 કરોડ રૂપિયા આપ્યા છે. કોવિડ કેર ફેસિલીટી રકાબગંજ ગુરુદ્વારાએ આ વાતની જાણકારી આપી છે. આ સેન્ટર સોમવાર એટલે કે આજથી ચાલુ થશે અને તેમાં 300 બેડ હશે. આ ડોનેશન વિશે અકાલી દળ પાર્ટીના નેશનલ સ્પોક્સ પર્સન મનજિંદર સિરસાએ પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. સિરસાએ આગળ લખ્યું, જ્યારે દિલ્હીમાં ઓક્સિજનની અછત હતી ત્યારે અમિતાભ બચ્ચન રોજ મને ફોન કરીને આ ફેસિલીટી વિશે પૂછતા હતા.

કૌન બનેગા કરોડપતિ’ સિઝન 13
ટૂંક સમયમાં બિગ બી નવી સિઝનમાં દેખાશે. અમિતાભ બચ્ચનના ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સિઝન ફરી શરૂ થવા જઈ રહી છે. હાલમાં જ સો.મીડિયામાં આ શો અંગેની માહિતી આપવામાં આવી હતી. ‘કૌન બનેગા કરોડપતિ’ ચાહકોનો ફેવરિટ શો છે. ચાહકો આ શોની રાહ જોતા હોય છે. ગયા વર્ષે ‘કેબીસી’ના શૂટિંગ દરમિયાન ઘણી જ સાવચેતી રાખવામાં આવી હતી. આ સાથે જ શોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *