અમેરિકામાં પેટ્રોલિયમનું પરીવહન કરતી પાઈપલાઈન કંપની પર સાયબર એટેક થયો છે. સાયબર હુમલો એટલો બધો ગંભીર છે, કે પ્રેસિડેન્ટ બાઈડેને અમેરિકામાં ઈર્જન્સી જાહેર કરી દીધી છે. સાયબર હુમલા પછી ઈમર્જન્સી જાહેર થઈ હોય એવો આ જગતનો પ્રથમ કિસ્સો છે. કોલોનિયલ પાઈપલાઈને શનિવારે કહ્યું હતું કે તેના સર્વર પર રેન્સમવેર હુમલો થયો છે, જેને પગલે બધી જ પાઈપલાઈનો મારફત પેટ્રોલિયમ પેદાશોનું પરીવહન અટકાવી દેવાની ફરજ પડી છે. પોતાને ડાર્ક સાઈડ તરીકે ઓળખાવતી એક ક્રિમિનલ ગેન્ગે સાઈબર હુમલો કરીને કંપનીનું સર્વર ઠપ્પ કરી દીધું છે અને ખંડણીની માગણી કરી છે.
અમેરિકામાં ધ કોલોનિયલ પાઈપલાઈન કંપનીનું નેટવર્ક ૮૮૫૦ કિ.મી. લાંબુ છે અને તે ટેક્સાસ અને ન્યૂ જર્સી વચ્ચે ૧૦ રાજ્યો મારફત પેટ્રોલ અને અન્ય ઈંધણનું પરીવહન કરે છે. કંપની ગલ્ફ કોસ્ટમાંથી ઈંધણ ઉત્તર-પૂર્વ સુધી પુરું પાડે છે. તેના ગ્રાહકોની સંખ્યા ૫ કરોડ જેટલી છે. કંપની રોજના ૨૫ લાખ બેરલ પેટ્રોલિયમનું પરીવહન કરે છે. અમેરિકાના અનેક રાજ્યોમાં કંપની પાઈપલાઈન મારફત પેટ્રોલિયમ અને અન્ય ઈંધણ પુરા પાડવામાં આવે છે. આ હુમલાથી કોઈ પાઈપલાઈનનું તંત્ર ખોરવાઈ જવાનો બાઈડન સરકારને ડર છે. વળી પેટ્રોલિયમ પાઈપમાં આગ લાગે તો પણ ભારે મોટું નુકસાન થઈ શકે.
આ સાઈબર હુમલો કરનાર ડાર્ક સાઈડ હેકર્સ પોતાને રોબિનહૂડ ગણાવે છે અને તે કોર્પોરેશન્સ પાસેથી ખંડણી વસૂલીને ચેરિટીમાં દાન કરતા હોવાનો દાવો કરે છે. આ હેકર્સે કંપનીનો ૧૦૦ જીબી ડેટા ચોરી પણ કરી લીધો છે. હેકર્સે કંપનીના સર્વર પણ લોક કરી દીધા છે અને તેમણે પોતાની માગણી પુરી થશે તો જ લોક ખોલશે એવું કહ્યું છે. કંપની અથવા અમેરિકી સરકાર હેકર્સની વાત નહીં માને તો બધી વિગતો ઓનલાઈન મુકી દેવાની ધમકી પણ અપાઈ છે. ઈમર્જન્સી જાહેર કરવાનો અર્થ એવો થાય છે કે હવે રોડ માર્ગે પણ આ બળતણનું પરિવહન કરી શકાશે. સામાન્ય રીતે પેટ્રોલિયમ સહિતના પ્રવાહી બળતણો પાઈપલાઈન દ્વારા ટ્રાન્સપોર્ટ કરવા સરળ પડતાં હોય છે. ઉપરાંત જે વાહનો આ બળતણ લઈને જઈ રહ્યાં છે, તેમને રસ્તા પર પ્રાયોરિટી આપવામાં આવશે.
પેટ્રોલિયમ એ આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતી પ્રોડક્ટ છે. એટલે અમેરિકામાં તેના પુરવઠા પર જોખમ આવતા હવે આંતરરાષ્ટ્રીય ક્ડના ભાવમાં ૨-૩ ટકા વધારો થવાની પુરી આશંકા છે. ક્રૂડના ભાવમાં વધુ ઊછાળો આવશે તો ભારત પર પણ તેની અસર થશે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.
આ સાઈબર હુમલાના કારણે ન્યૂયોર્ક સહિતના શહેરોને ખનિજતેલ પુરું પાડતી સિસ્ટમ ખોરવાઈ ચૂકી છે. અમેરિકી સરકારની વિવિધ એજન્સીઓ અને કંપનીના નિષ્ણાતો કંપનીનું સર્વર ફરીથી ચાલુ કરવામાં વ્યસ્ત છે. કોરોનાકાળમાં અનેક કર્મચારીઓ ઘરેથી કામ કરતા હોવાથી કંપનીની સાયબર સિક્યુરિટી નબળી પડી હતી અને હેકર્સે તેનો લાભ ઉઠાવ્યો હતો. સાયબર સિક્યુરિટીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ હુમલો સાવ નવા પ્રકારનો છે. પરંતુ આ હુમલાથી એટલું સમજી લેવાની જરૂર છે કે હેકર્સ ટેકનોલોજીની દૃષ્ટિએ વધારે સજ્જ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં કઈ પણ કંપનીને ટાર્ગેટ કરી શકે છે.
હુમલાથી અમેરિકાના ક્યા ક્યા રાજ્યોને અસર
અલબામા, અર્કાન્સન્સ, કોલંબિયા, ડેલાવાર, ફ્લોરિડા, જ્યોજયા, કેન્ટકી, લુઇઝિનિયા, મેરીલેન્ડ, મિસિસિપી, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના, પેન્સાલ્વેનિયા, ટેનેસી, ટેક્સાસ, વજનિયા