ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી વાવાઝોડું પસાર થવાની આગાહી

દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડું આગામી ૨૦ મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ ૨૦૨૧નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ટૌકાતે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે. એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે.  લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. ૧૪ મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. ‘

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૪ મેના દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, કચ્છમાં ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરમિયાન આજે ૪૧.૧ ડિગ્રી સાથે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *