Gold: સરકાર તમને આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની સોનેરી તક!, 17મી મે થી કરી શકશો ખરીદી

નવી દિલ્હી: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારી પાસે સોનેરી તક છે. કારણ કે સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) નું પહેલું વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ કરશે. જે આગામી 5 દિવસ સુધી ચાલશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી RBI બહાર પાડે છે.

ક્યારે ક્યારે થશે SGB નું વેચાણ
1. સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બર વચ્ચે 6 ભાગમાં બહાર પાડવામાં આવશે.

2. 17મી મે થી 21 મે વચ્ચે પહેલી સિરીઝ માટે ખરીદી કરી શકાશે. આ માટે બોન્ડ 25 મેના રોજ બહાર પાડવામાં આવશે.

3. 24 મેથી 28 મે સુધી બીજી સિરીઝ માટે સબ્સ્ક્રિપ્શન ખુલશે. જેના માટે 1 જૂનના રોજ ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાશે.

4. 31 મેથી 4 જૂન સુધી ત્રીજી સિરીઝ આવશે. આ માટે ગોલ્ડ બોન્ડ 8 જૂનના રોજ બહાર પાડવામાં આવશે.

5. 12 જુલાઈથી 16 જુલાઈ સુધી ચોથી સિરીઝનું સબ્સ્ક્રિપ્શન ખુલશે અને આ માટે બોન્ડ બહાર પાડવાની તારીખ 20 જુલાઈ છે.

6. 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી  પાંચમી સિરીઝ ખુલશે. જેના માટે બોન્ડ 17 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે.

7. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની છઠ્ઠી સિરીઝ રહેશે જેના માટે 7 સપ્ટેમ્બરે ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાશે.

ક્યાંથી ખરીદી શકશો?
જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમે તેની ખરીદી માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ જેમ કે NSE, BSE થી કરી શકો છો. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.

બોન્ડની કિંમત આ રીતે નક્કી થશે
નાણા મંત્રાલયે જણાવ્યું કે સોનાના બોન્ડના ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવના સામાન્ય સરેરાશ ભાવ પર રહેશે. આ ભાવ રોકાણના સમયગાળા અગાઉના સપ્તાહના છેલ્લા ત્રણ કારોબારી દિવસ દરમિયાન 99.9 શુદ્ધતાવાળા સોનાનો સરેરાશ ભાવ રહેશે. બોન્ડ ખરીદવા માટે ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓને બોન્ડના ભાવમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.

કેટલું કરી શકો છો રોકાણ
સોવરેન ગોલ્ડ બોન્ડનો સમયગાળો આઠ વર્ષનો રહેશે. તેને પાંચ વર્ષ બાદ આગામી વ્યાજ ચૂકવણી તારીખ પર બોન્ડથી રોકાણ કાઢવાનો પણ વિકલ્પ હશે. જેમાં તમે એક ગ્રામ સોનાની ખરીદીથી શરૂઆત કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) વધુમાં વધુ 4 કિલોગ્રામના મૂલ્ય સુધીનું બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે ખરીદીની વધુમાં વધુ મર્યાદા 20 કિગ્રા છે. બોન્ડ ખરીદવા માટે KYC હોવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *