મમતા બેનર્જીએ 5 મેના રોજ ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. હજુ તો શપથ ગ્રહણ કર્યાને 10 દિવસ પણ નથી થયાને તેમને રાજ્યપાલ જગદીપ ધનકડ સાથે અણબનાવ શરૂ થઈ ગયો છે. રાજ્યપાલ જગદીપ ધનકડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે બુધવારે આખો દિવસ ‘લેટર વોર’ ચાલ્યો હતો.
પહેલા મમતા બેનર્જીએ તેમને લેટર લખ્યો હતો બાદમાં તેના જવાબમાં રાજ્યપાલે તેમને લેટર લખ્યો હતો. હકીકતે બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી જ હિંસા પણ શરૂ થઈ ગઈ હતી જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. ભાજપે ટીએમસી પર આરોપો લગાવ્યા હતા સામે ટીએમસીએ ભાજપ પર આરોપો લગાવ્યા હતા. રાજ્યપાલ ગુરૂવારે કૂચબિહારના સિતલકુચી સહિત એ તમામ વિસ્તારોની મુલાકાત લેશે જ્યાં હિંસા થઈ હતી. મમતા બેનર્જી અને રાજ્યપાલ વચ્ચે આ મુદ્દે જ બબાલની શરૂઆત થઈ હતી.
બંગાળના રાજ્યપાલે ટ્વીટ કરીને પોતે 13 મેના રોજ કૂચબિહારના સિતલકુચી સહિતના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તેવી માહિતી આપી હતી. મમતા બેનર્જીએ તે અંગે વિરોધ દર્શાવીને ચિઠ્ઠી લખી હતી અને રાજ્યપાલની મુલાકાતને નિયમોના ઉલ્લંઘન સમાન ગણાવી હતી.
તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘મને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે તમે 13 મેના રોજ કૂચબિહારની મુલાકાતે જઈ રહ્યા છો. તે રાજ્યમાં દશકાઓથી ચાલ્યા આવતા નિયમોનું ઉલ્લંઘન છે. આ કારણે આશા રાખું છું કે તમે પ્રોટોકોલનું પાલન કરશો અને પોતાની મુલાકાત ટાળી દેશો.’
મમતા બેનર્જીની ચિઠ્ઠી અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા રાજ્યપાલે જવાબમાં લખ્યું હતું કે, ‘તેમણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે રાજ્યપાલની મુલાકાત માટે સરકારના આદેશની જરૂર છે. હું તમને વિનંતી કરુ છું કે ચૂંટણી પરિણામો બાદ બંગાળમાં જે રીતે હિંસા ભડકી છે, તમે તેના પર ધ્યાન આપો.’
રાજ્યપાલ ગુરૂવારા આસામની પણ મુલાકાત લેવાના છે કારણ કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, હિંસાના કારણે લોકો આસામમાં શરણાર્થી તરીકે રહેવા મજબૂર બન્યા છે.