કોરોના (Coronavirus) વધતા પ્રકોપ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીન (COVAXIN)ની 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર બીજા/ત્રીજા ફેઝની ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર રસીની ટ્રાયલ કરશે.
મળતી માહિતી મુજબ ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી આ ટ્રાયલ 525 વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે. આ ટ્રાયલ 2થી લઈને 18 વર્ષ સુધીના બાળકો પર ફેઝ 2 અને 3 હેઠળ કરાશે. ટ્રાયલ દરમિયાન પહેલો અને બીજો વેક્સીન ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે. આ જોતા હવે વર્ષના અંત સુધીમાં બાળકો માટે કોરોના રસી ઉપલબ્ધ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
ત્રીજી લહેરમાં બાળકો પર તોળાઈ રહ્યું છે જોખમ
અત્રે જણાવવાનું કે ભારતમાં હાલ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ છે. આ લહેરે દેશની સ્વાસ્થ્ય સિસ્ટમને હચમચાવી નાખી છે. ચારેબાજુ તબાહી જોવા મળી રહી છે. આવામાં એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે ભારતમાં હજુ કોરોનાની ત્રીજી લહેર પણ આવશે અને આ લહેરમાં બાળકો પર સૌથી વધુ અસર જોવા મળી શકે છે.
વૈજ્ઞાનિકોની આ ચેતવણી બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સવાલ કર્યો હતો. અનેક રાજ્ય સરકારોએ અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલો બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે. જો કે રસી પર જ બધી આશાઓ ટકેલી છે.