અખા ત્રીજને લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે અને આ જ દિવસે શુકનરૃપે સોનાની પણ ખરીદી થતી હોય છે. પરંતુ સતત બીજા વર્ષે અખા ત્રીજના લગ્નપ્રસંગ અને સોનાની ખરીદી પર કોરોનાનું ‘ગ્રહણ’ લાગી ગયું છે.
શાસ્ત્રવિદોના મતે વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતિયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્ કહેતાં ચોખાથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે. અક્ષય તૃતિયાના જ ભગવાન પરશુરામનું પ્રાગટય થયું હતું. સામાન્ય રીતે આ નિમિત્તે ગુજરાતભરમાં પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોનાને પગલે સતત બીજા વર્ષે પરશુરામ યાત્રાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. અક્ષય તૃતિયાના જ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું અને દ્વાપર યુગનું પણ સમાપન થયું હતું. વૈષ્ણવધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન પણ આ જ દિવસે થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં વાઘા ધરાવવાનો પણ પ્રારંભ કરવામાં આવે છે.
આ અંગે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવાય છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનનો સંતો-હરિભક્તો તે ચંદનનું કપાળમાં તિલક કરે છે. સ્વામિનારાયણ ભગવાને પોતે વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણમાં કહ્યું છે કે ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઇએ. ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવાય છે. ‘