વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિસાન સન્માન નિધિ યોજનાના 8મા હપતાને વીડિયો-કોન્ફરન્સ દ્વારા જાહેર કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાનના સંબોધનમાં કોરોના વિશેની તેમની ચિંતા સ્પષ્ટ નજરે પડી હતી. મોદીએ કહ્યું હતું કે આપણે એક અદૃશ્ય દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ. એની સામે યુદ્ધના ધોરણે લડાઈ ચાલુ છે, સાથે જ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. ગામલોકોએ માસ્ક પહેરવાની સાથે અન્ય રક્ષણાત્મક ઉપાય જરૂર કરવા જોઈએ.
વડાપ્રધાનના ભાષણની મહત્ત્વપૂર્ણ વાતો
- 100 વર્ષ બાદ આવી ભયંકર મહામારી ડગલે ને પગલે વિશ્વની કસોટી લઈ રહી છે. આપણી સામે એક અદૃશ્ય દુશ્મન છે. આપણે આપણા ઘણા નજીકનાઓને ગુમાવી ચૂક્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી જે મુશ્કેલીઓ દેશવાસીઓએ સહન કરી છે એને હું પણ એટલી જ અનુભવી રહ્યો છું.
- આ મુશ્કેલીના સમયમાં કેટલાક લોકો તેમના સ્વાર્થને કારણે દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહિત કરીને કાળાં બજારમાં લાગેલા છે. હું રાજ્ય સરકારોને વિનંતી કરીશ કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ કૃત્ય માણસાઈની વિરુદ્ધનું છે.
- ભારત હિંમત હારનારો દેશ નથી, ભારત અને કોઈ ભારતીય હિંમત હારશે નહીં. અમે લડીશું અને જીતીશું.
- દેશભરની સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, તેથી જ્યારે પણ તમારો વારો આવે ત્યારે વેક્સિન લો.
- આ વેક્સિન તમને કોરોના સામે રક્ષણ આપશે, ગંભીર બીમારીની સંભાવના ઘટાડશે. માસ્ક અને બે ગજની દૂરીનો મંત્ર છોડવાનો નથી.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 8મા હપતાનું વિતરણ
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 8મા હપતાનું વિતરણ શરૂ કર્યું હતું. PM મોદી પોતે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઘણા ખેડૂતોનાં ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. મળતી માહિતી મુજબ 8મા હપતા તરીકે 9.5 કરોડ ખેડૂતોને 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ પર 19 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત 2019માં વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના ડિસેમ્બર 2018થી અમલમાં આવી છે.