ગુજરાતમાં અત્યારસુધીમાં 1.50 કરોડ લોકોનું વેક્સિનેશન, અમદાવાદમાં સૌથી વધુ 19.57 લાખ અને ડાંગમાં સૌથી ઓછું 44 હજારનું જ રસીકરણ

ગુજરાતમાં શુક્રવારથી રવિવાર સુધી એમ ત્રણ દિવસ 45થી વધુ વયના લોકો માટેનું રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે 18થી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકો, જેમને એપોઈન્ટમેન્ટ અપાઈ ગઈ છે તેમનું રસીકરણ ચાલુ રહેશે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 1,50,09,431 (dashboard.cowin.gov.in પ્રમાણે, 14 મે બપોરે 2 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો અને બીજો બંને ડોઝનો સમાવેશ છે. ગુજરાતની ઓક્ટોબર 2020 પ્રમાણે વસતિ 6.94 કરોડ છે, જે પૈકી 1.50 કરોડ લોકોનું રસીકરણ થયું છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 19.57 લાખ અને સૌથી ઓછું ડાંગમાં માત્ર 44 હજાર લોકોનું જ રસીકરણ થયું છે.

સુરતમાં 14.33 લાખ, વડોદરામાં 10.48 લાખ લોકોનું રસીકરણ
ગુજરાતમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ જિલ્લામાં 19.57 લાખ લોકોનું થયું છે. ત્યાર બાદ 14.33 લાખ સાથે સુરત બીજા અને 10.48 લાખ સાથે વડોદરા ત્રીજા સ્થાને છે, જ્યારે સૌથી ઓછું ડાંગમાં 44 હજાર લોકોનું જ રસીકરણ થયું છે. આ સાથે બોટાદમાં પણ ઓછું 88 હજાર લોકોનું જ રસીકરણ થયું છે.

45થી વધુ ઉંમરના 86,60,645 લોકોએ પ્રથમ ડોઝ લીધો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં અત્યારસુધી(13 મે સુધી)માં કુલ 1,47,18,861 લોકોને રસી મૂકવામાં આવી છે, જેમાં 18,51,225 હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઈનવર્કરને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે. 9,95,693 હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઈનવર્કરને બીજો ડોઝ મુકાયો છે. 45થી વધુ ઉંમરના 86,60,645 લોકોને પ્રથમ ડોઝ મુકાયો છે, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 27,94,084 લોકોને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. આ સાથે 18થી 44 વર્ષના 4,17,214 લોકોને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે.

SMS મળ્યા હશે તેને રસી અપાશે
આરોગ્ય ખાતાના જયંતી રવિએ જણાવ્યું હતું કે 14,15 અને 16 મે દરમિયાન 18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે. એ સિવાય આ વયજૂથના નાગરિકોને માટે પણ એપોઇન્ટમેન્ટ ન મળી હોય તો રસીકરણ કે એનું શિડ્યૂલિંગ થશે નહીં.

17 મે પછી 45+નું રસીકરણ થશે
આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતને રસીનો જથ્થો ઉત્પાદક કંપની તરફથી ખૂબ મર્યાદિત માત્રમાં મળતો હોવાથી આ નિર્ણય લેવાયો છે, આથી 17 તારીખ પછી પણ 45થી વધુ વયજૂથના લોકો માટે પહેલા ડોઝનું જ રસીકરણ થશે, જ્યારે બીજા ડોઝની રસી લેવાની તારીખ તેમને પહેલા ડોઝના ત્રણથી ચાર મહિના બાદ જ ફાળવાશે.

16 જાન્યુઆરીએ રસીકરણનો પ્રારંભ થયો હતો
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ પ્રમાણે 2011ની સ્થિતિએ ગુજરાતની વસતિ 6.04 કરોડ છે. ગુજરાતમાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યારસુધી(13 મે સુધી) 1.47 કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *