ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઇન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે હમાસ (ઇઝરાયલ તેને આતંકવાદી સંગઠન માને છે)ને દોષી ઠેરવ્યૂ છે. તેમણે શનિવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે શનિવારે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે અંજામ સુધી પહોંચતા નથી ત્યાં સુધી ગાઝા સામે અમારી જવાબી કાર્યવાહી ચાલુ જ રહેશે. તેમણે કહ્યું કે આ યુદ્ધ આતંક સામે છે. અમારા પુરા પ્રયાસ રહેશે કે તેથી નાગરિકોના જીવ જોખમમાં ન પડે.
અત્યાર સુધીમાં 126ના મોત
આ દરમિયાન, શનિવારે પેલેસ્ટાઇનના સૌથી મોટા શહેર ગાઝામાં પણ એરસ્ટ્રાઇકે વીજ પુરવઠો પ્રભાવિત કર્યો હતો. જ્યારે, અમેરિકાના બ્રુકલિનમાં પેલેસ્ટાઇનની આઝાદીની માંગના બેનર લઈને લોકોએ માર્ગો પર કૂચ કરી હતી. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 126 લોકો માર્યા ગયા છે. તેમાં 31 બાળકો સામેલ છે. આ હુમલામાં 950 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારા લોકોમાં 9 ઇઝરાયલ અને બાકીના પેલેસ્ટિનિયન છે.

ઇન્ટરનેશનલ મીડિયાની ઓફિસો પર પણ હુમલો
આ તરફ શનિવારે ગાઝામાં રહેણાંક બિલ્ડિંગને ઇઝરાઇલી એરફોર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. ઇઝરાયલના સૈન્યનું કહેવું છે કે આ બિલ્ડિંગમાં હમાસની રાજકીય બ્યુરોની ઓફિસ હતી. જેને નષ્ટ કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ મીડિયા અલ જઝીરા અને એસોસિએટ પ્રેસની ઓફિસ પણ હતી, તેઓ પણ સંપૂર્ણ નાશ પામી છે. મળતી માહિતી મુજબ મીડિયા ઓફિસમાં હાજર તમામ પત્રકારો, કર્મચારીઓ અને ફ્રીલાન્સરોને બિલ્ડિંગમાંમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલુ છે. ઇઝરાઇલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા શહેરના મુખ્ય ભાગમાં અનેક ઇમારતો, રસ્તાઓ અને મીડિયા ઓફિસોને નિશાન બનાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી નાગરિકો અને પત્રકારોની સલામતી પર ચિંતા વ્યક્ત કરી.
બાઈડેને ગાઝાના પત્રકારો વિશે ચિંતા વ્યક્ત કરી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બાઇડને હમાસના મિસાઇલ હુમલાના જવાબમાં ગાઝામાં ઇઝરાયલી હુમલાઓ માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું, પરંતુ હુમલામાં નાગરિકોની જાનહાની અને પત્રકારોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઈડેને શનિવારે યોજાયેલી વાતચીત દરમિયાન ઇઝરાયલની આંતર-સાંપ્રદાયિક હિંસા અને પશ્ચિમ કાંઠે વધતા તણાવ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. બાઈડેન અને નેતન્યાહૂએ જેરૂશલેમ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન બાઇડેને કહ્યું કે, તે બધા ધર્મ અને પૃષ્ઠભૂમિના લોકો માટે શાંતિથી રહેવા માટેનું સ્થળ હોવું જોઈએ.
ઇઝરાયલે ગાઝામાં ઇમારતો અને રસ્તાઓને બનાવ્યાં નિશાન
ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા શહેરના મુખ્ય ભાગની અનેક ઇમારતો અને રસ્તાઓને નિશાન બનાવ્યા હતા. રહેવાસીઓ અને પત્રકારો દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટોગ્રાફ્સ અનુસાર, હવાઇ હુમલાઓને કારણે ઢગલા થીય ગયા, જે શિફા હોસ્પિટલ તરફ જવાના મુખ્ય માર્ગને અવરોધિત કરે છે. શિફા એ ગાઝા પટ્ટીની સૌથી મોટી હોસ્પિટલ છે.
રિપોર્ટ પ્રમાણે હાલના હવાઈ હુમલામાં બે લોકોનાં મોત થયાં હતાં અને 25 ઘાયલ થયાં હતાં, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. બચાવકર્તા હજી પણ કાટમાળ દૂર કરી રહ્યા છે. બે કલાક માટે ભારે બોમ્બ ધડાકા બાદ પણ ઇઝરાયલની સેનાએ કોઈ ટિપ્પણી કરી નથી.
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ અને બાઈડેન વચ્ચે થઈ વાત
બાઈડેને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી હતી, જેમાં તેણે હમાસને ઇઝરાયલ પર રોકેટ હુમલો બંધ કરવા અપીલ કરી હતી. વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઈડેને પેલેસ્ટિનિયન લોકોને સક્ષમ કરવાના પગલા ભરવાના તેમના પ્રયત્નોને સમર્થન આપ્યું હતું જેથી તેઓ ગૌરવ, સલામતી અને સ્વતંત્રતા સાથે જીવી શકે અને તેઓને આર્થિક તક મળે જેના માટે તેઓ હકદાર છે.