મુંબઈ : કોરોના વાયરસના પ્રકોપથી ગત 45 દિવસમાં ભારતા ડોમેસ્ટિક વેપારને 12 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે, જે મોટું નુકશાન માનવામાં આવે છે અને નિશ્ચિત રૂપે જ્યારે લોકડાઉન પૂરૂં થશે, ત્યારે વેપારીઓને ફરી ઊભા થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, એવું કૈટના અધિકારીઓએ આજે જણાવ્યું છે.
કૈટના મુંબઈ મહાનગર અધ્યક્ષના જણાવ્યાનુસાર, 12 લાખ કરોડના વ્યાપારિક નુકશાનમાં રિટેલ વેપારને આશરે 7.50 લાખ તો જથ્થાબંધ માર્કેટને 4.50 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
એક અનુમાન અનુસાર, મહારાષ્ટ્રને આશરે 1.10 લાખ કરોડ, દિલ્લીને 30 હજાર કરોડ, ગુજરાતને 60 હજાર કરોડ, ઉત્તર પ્રદેશને 65 હજાર કરોડ, મધ્ય પ્રદેશને આશરે 30 હજાર કરોડ, રાજસ્થાનને 25 હજાર કરોડ, છત્તીસગઢને 23 હજાર કરોડ અને કર્ણાટકને લગભગ 50 હજાર કરોડ મળી કુલ 45 દિવસમાં મોટું આર્થિક નુકશાન થયું છે.
કૈટના રાષ્ટ્રીય પ્રવક્તાઓના જણાવ્યાનુસાર, એકતરફ વેપારીઓ દુકાનો બંધ કરી કે આંશિક રીતે ચાલું રાખી નુકશાની સાથે વ્યવસાય કરી રહ્યાં છે, બીજી તરફ ઈ-કોમર્સ કંપનીઓ બિન્ધાસ્ત સરકારી નિયમોને ઉલ્લંઘીને કમાણી કરી રહી છે.
આથી કેન્દ્રિય વિત્ત મંત્રી તેમજ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આગ્રહ કરાયો છે કે, લોકડાઉન દૂર થવા પર વેપારીઓને તેમનો વ્યવસાય ફરી ઊભો કરવા આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. વેપારીઓની જવાબદારી માત્ર કેન્દ્ર સરકારની નહીં તો રાજ્ય સરકારની પણ છે.
કૈટના મુંબઈ મહાનગર મહામંત્રી તરૂણ જૈનના કહ્યાનુસાર, તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખી વેપારીઓ માટે તુરંત રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે. કૈટના મહાનગર ચેરમેન રમણિક છેડાએ જણાવ્યું હતું કે, ગત વર્ષથી લાગુ થયેલ લોકડાઉનથી અત્યાર સુધી રાજ્ય સરકારે વેપારીઓ માટે કોઈ પેકેજ જાહેર કર્યું નથી. આથી હવે સરકારે જીએસટી, ટીડીએસ, ટેક્સ વગેરેની તારીખો લંબાવી આપવી જોઈએ.