તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી રાજુલા પાસે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી. જો કે, સદનસીબે જાનમાલને લગતા કોઈ પણ નુકસાનની ઘટના નથી બની. આ બધા વચ્ચે તૌકતે વાવાઝોડાને લઈને તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં સોમવારે અને મંગળવારે ભારે વરસાદની આશંકા છે. આ કુદરતી હોનારતનો સામનો કરવા માટે એનડીઆરએફની 50 ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં વાવાઝોડાના કારણે તબાહીની આશંકાને લઈને પ્રશાસન એલર્ટ પર છે અને માછીમારોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં વધુ ખતરનાક બનશે તૌકતે
આ બધા વચ્ચે હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે આ વાવાઝોડું આગામી 24 કલાકમાં વધુ ખતરનાક બની શકે છે. તે પોતાની દિશા બદલીને આજે સાંજ સુધીમાં ગુજરાતના કિનારે અથડાઈ શકે છે. તેના આશરે 12 કલાક બાદ એટલે કે 18 મેની સવારે તે પોરબંદર અને મહુવા બીચથી ગુજરાતના કિનારાને પાર કરી શકે છે.
મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે સોમવારે મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. મુંબઈમાં 5 જગ્યાએ કામચલાઉ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમી મુંબઈમાં એનડીઆરએફની 3 ટીમ અને પૂરથી બચાવ માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
કેરળના અનેક વિસ્તારોમાં વરસાદ
કેરળમાં પણ તોફાનની અસર જણાઈ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અલપ્પુઝા ખાતે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તટીય વિસ્તારના લોકોને સમુદ્રથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે.