પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની સરકાર બની તે સાથે જ નારદા કૌભાંડની તપાસ ફરીથી શરૂ થઈ ગઈ છે. સીબીઆઈએ આ કૌભાંડના આરોપી કેબિનેટ મંત્રી ફરહાદ હકીમ, કેબિનેટ મંત્રી સુબ્રત મુખર્જી, ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રા અને ભાજપના પૂર્વ નેતા સોવન ચેટર્જીના ઘરે દરોડા પાડ્યા છે. બાદમાં આ ચારેયને સીબીઆઈની ઓફિસ લાવવામાં આવ્યા છે.
સીબીઆઈની ટીમ સોમવારે સવારે જ પરિવહન મંત્રી અને કોલકાતા નગર નિગમના અધ્યક્ષ ફિરહાદ હકીમના ઘરે પહોંચી ગઈ હતી. થોડા સમય સુધી તલાશી લેવાયા બાદ સીબીઆઈ ફિરહાદ હકીમને પોતાના સાથે લઈ જવા લાગી હતી. તે દરમિયાન ફિરહાદ હકીમે પોતાની નારદા કૌભાંડમાં ધરપકડ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. સીબીઆઈની ટીમ સુબ્રત મુખર્જી અને મદન મિત્રાને લઈને પણ સીબીઆઈ ઓફિસ પહોંચી હતી.
તે સિવાય સીબીઆઈની ટીમે ભાજપના પૂર્વ નેતા સોવન ચેટર્જીના ઘરે પણ દરોડો પાડ્યો હતો. સોવન ચેટર્જીએ ચૂંટણી પહેલા ટીએમસી છોડીને ભાજપ જોઈન કર્યું હતું પરંતુ ટિકિટ ન મળી એટલે ભાજપ પણ છોડી દીધું હતું. જાણવા મળ્યા મુજબ નારદા કૌભાંડમાં પુછપરછ માટે આ ચારેય નેતાઓને સીબીઆઈ ઓફિસ લાવવામાં આવ્યા છે. જો કે, સીબીઆઈએ પોતે કોઈ મંત્રી કે ધારાસભ્યની ધરપકડ કરી હોવાનો ઈનકાર કર્યો હતો.