બંગાળના બે મંત્રી, ધારાસભ્ય, પૂર્વ મેયરની સીબીઆઇ દ્વારા ધરપકડથી હોબાળો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં નારદા કેસનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ સ્કેમની તપાસ કરી રહેલી સીબીઆઇએ મમતા સરકારમાં મંત્રી ફિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી હતી.

જેને પગલે વિફરેલા મમતા સીબીઆઇ ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા, મમતાએ દાવો કર્યો હતો કે આ તમામ આરોપીઓ નિર્દોશ છે. રાજકીય રીતે તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

સીબીઆઇ ઓફિસમાં મમતા છ કલાક સુધી રહ્યા જે બાદ બહાર નિકળી તેમણે કહ્યું હતું કે કાયદાને તેનું કામ કરવા દઇશું અને કોર્ટ પોતાનો નિર્ણય આપશે. બીજી તરફ જે પણ નેતાઓની ધરપકડ કરવામાં આવી તેમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા જ્યાં તેમને જામીન પર છોડાયા હતા.

દરમિયાન મંત્રીઓની ધરપકડ બાદ ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સીબીઆઇ અને સીઆરપીએફના અહીંના જે કાર્યાલયો આવેલા છે ત્યાં પથૃથરમારો પણ કરવામાં આવ્યો હતો તેવા અહેવાલો છે.

સમગ્ર વિવાદ વચ્ચે હવે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેથી મામલો વધુ ગરમ થઇ રહ્યો છે. સીબીઆઇની આ કાર્યવાહી બાદ એક વખત ફરી કેન્દ્ર અને મમતા સરકાર વચ્ચે વિવાદ વધી ગયો છે.

મમતાએ આરોપ લગાવ્યો હતો કે એવો કોઇ જ નિયમ નથી કે રાજ્ય સરકાર કે સ્પીકરની અનુમતી વગર સ્ટેટ ઓફિશિયલ્સની ધરપકડ કરી શકાય. જો મારા કોઇ મંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા મારી ધરપકડ કરવી પડશે તેવી ચીમકી પણ મમતાએ આપી હતી.

મંત્રીઓના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે નોટિસ વગર જ મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે જે યોગ્ય નથી.  સમગ્ર મામલે વિવાદ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે રાજ્યમાં ફેલાયેલી હિંસા અને વિવાદોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ફરિયાદ દાખલ કરાવી છે અને તેની કોપી રાજ્યપાલ જગદીપ ધનખડને સોપવામાં આવી છે.

રાજ્યપાલે કહ્યું હતું કે બંગાળમાં દર મિનિટે બદતર હાલાત થઇ રહ્યા છે. ટીવી ચેનલો પરથી જાણવા મળ્યું કે તૃણમુલ સમર્થકોએ સીબીઆઇ કચેરી પર પથૃથરમારો કર્યો છે. તેમ છતા પોલીસ કોઇ જ કાર્યવાહી નથી કરી રહી તે યોગ્ય નથી. આ ધરપકડો પહેલા સીબીઆઇની ટીમ સોમવારે સવારે નેતાઓના વિવિધ સૃથળોએ તપાસ કરી હતી. નારદા સ્કેમમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

નારદા સ્ટિંગ બાદ સીબીઆઇ તપાસ શરૂ થઇ હતી

2016માં બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નારદા ન્યૂઝ પોર્ટલે જોડાયેલા ટેપ જાહેર કર્યા હતા. આ સ્ટિંગ ઓપરેશન બાદ દાવો કરાયો કે આ ટેપ 2014માં રેકોર્ડ કરાયા હતા. ટેપને લઇને દાવો કરાયો કે તૃણમુલ કોંગ્રેસના મંત્રી, સાંસદ અને ધારાસભ્યો પર ડમી કંપનીઓ પાસેથી કેશ લેવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. કોલકાતા હાઇકોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો. હાઇકોર્ટે 2017માં તેની સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા. જે મામલે આ ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *