કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ જોખમી બનવાની આશંકા વચ્ચે એક સારા સમાચાર છે. સરકારે બાળકો પર વેક્સિનેશનની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DFGI)એ 2થી 18 વર્ષનાં બાળકો પર કોવેક્સિનનો બીજા તથા ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી છે.
ડો.પોલે કહ્યું હતું કે આગામી 10-12 દિવસમાં આ ટ્રાયલ શરૂ થઈ જશે. આ ઉપરાંત DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી એન્ટી-કોવિડ ડ્રગ 2DGના પણ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. અમે ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં એને સાંકળવા માટે દવાની તપાસ કરીશું. અત્યારે કોવેક્સિનનો ઉપયોગ દેશમાં 18+ના વેક્સિનેશન માટે કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી, પટના અને નાગપુરમાં ટ્રાયલ થશે
સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ AIIMS દિલ્હી, AIIMS પટના તથા મેડિટ્રીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ નાગપુરમાં 525 બાળકો પર ટ્રાયલ કરવા સહમતી આપી છે. એ સફળ રહેવાના સંજોગોમાં કેનેડા અને અમેરિકા બાદ ભારતમાં પણ 2થી 18 વર્ષના વયજૂથ માટે પણ કોરોનાની સ્વદેશી વેક્સિન તૈયાર થઈ જશે. ICMRના સહયોગથી ભારત બાયોટેકે કોવેક્સિન તૈયાર કરી છે.
ડેટા મોનિટરિંગ બોર્ડે આપવો પડશે બીજા તબક્કાની ટ્રાયલનો ડેટા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્સપર્ટ્સ કમિટીએ કંપનીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે CDSCO પાસેથી મંજૂરી મેળવતાં પહેલાં ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (DSMB)ને બીજા તબક્કાના સુરક્ષા ડેટા ઉપલબ્ધ કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ અગાઉ 24 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં દરખાસ્ત અંગે વિચારણા કરવામાં આવ્યો હતો અને ભારત બાયોટેકને રિવાઈઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ પ્રોટોકોલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા હતા.