અમદાવાદ શહેરમાં મંગળવારે વાવાઝોડાએ વરેલા વિનાશ બાદ બુધવારે મોડી સાંજે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા ખાતે આવેલી ચાર માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી બનતા આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.દરમ્યાન ઘટના સમયે આ ઈમારતમાં રહેતા એક જ પરીવારના ૩૦ લોકોએ મકાન ખાલી કરી અન્યત્ર સ્થળાંતર કરી દીધુ હોવાથી તમામ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
ઘટનાને પગલે ઉમટી પડેલા લોકોની વચ્ચે મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ ઉપરાંત ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.જયાં કાટમાળ ખસેડવા સહીતની કામગીરી શરૂ કરી હતી.આ ઈમારત ધરાશાયી થવાના કારણે એને અડીને આવેલા મકાનનું સ્ટ્રકચર પણ હલી જતા તેને પણ નુકસાન થવા પામ્યુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.લોકોના ટોળાએ આ ઘટનાનો વિડીયો વાઈરલ કર્યો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ, બુધવારે સાંજે છ ના સુમારે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા ખાતે આવેલી ચાર માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી બનતા આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોમાં ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી.આ વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે.ઉપરાંત મકાનો પણ અડી-અડીને આવેલાં છે.
ઈમારત ધરાશયી થવાની વાત શહેર આખામાં વાયુ વેગે પ્રસરી જવા પામી હતી.લોકોનાં ઘટના સ્થળે ઉમટી પડેલાં ટોળાની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટની અને ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.આ પાછળના જાણવા મળેલા કારણ મુજબ,ઈમારત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસરને પગલે પવનની વધેલી ઝડપના કારણે હાલતી હોવાથી ઈમારત રહેતા લોકોએ સ્ટ્રકચરલ એન્જિનિયરની સલાહ લીધી હતી.
દરમ્યાન એન્જિનિયરે આ મકાન રહેવાને માટે સલામત ના હોવાનો અભિપ્રાય આપતા રહેતા તમામ લોકો બે દિવસ પહેલા જ અન્યત્ર રહેવા જતા રહ્યા હતા.
ડિસેમ્બર-2020માં મ્યુનિ.એ નોટિસ આપી હતી
આ ઈમારતમાં અગાઉ ત્રણ માળ બનાવાયા હતા.ચોથો માળ ગેરકાયદેસર બનાવવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન અસ્ટેટ વિભાગ તરફથી ગેરકાયદેસર બાંધકામ માટે યાસીન ફરીદભાઈ હોકાબાજને નોટીસ આપવામાં આવી હોવાનું મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર તડવીએ એક વાતચીતમાં કહ્યુ છે.સાથે જ તેમણે આ ઈમારત પડવાથી બાજુના મકાનમાં પણ નુકસાન થયુ હોવાની સંભાવના દર્શાવી છે.
મ્યુનિ.કચેરીની પાછળ જ સાત માળની ગેરકાયદે ઈમારત
મ્યુનિસિપલ કમિશનરથી લઈ મેયર સુધીના હોદ્દેદારો અને શહેરના ૧૯૨ કોર્પોરેટરો અને અધિકારીઓ જયાં બેસીને આખા અમદાવાદ શહેરના વિકાસના નામે નિર્ણયો કરે છે એવી મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમાં આવેલી મુખ્ય કચેરીના સી-બ્લોકની બિલકુલ પાછળના ભાગમાં સાત માળની ગેરકાયદે ઈમારત બની ગઈ છે.આ ઈમારતને તોડવા ત્રણ વખત ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમને લોકોએ પાછી કાઢી છે.આ ઉપરાંત પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીની સામેના ભાગમાં અનેક ઈમારતો ગેરકાયદેસર બની ગઈ છે અને વપરાશ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.છતાં મ્યુનિ.તંત્ર આ ઈમારતો તોડવામાં સદંતર નિષ્ફળ સાબિત થયુ છે.
ઈમારતમાં રહેતા લોકો ખાડિયાના ધારાસભ્યના કુટુંબમાં થાય છે
આ અંગે ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો સંપર્ક કરતા તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ ઈમારતમાં રહેતા લોકો મારા પારીવારીક કુટુંબીજનો થાય છે.ગત વર્ષે ડિસેમ્બરમાં વધારાનો ચોથો માળ બાંધવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટીસ પણ આપવામાં આવી હતી.