વ્યક્તિગત કરદાતા માટે આકારણી વર્ષ 2021-22ના રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે મહિના લંબાવીને 30મી સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિગત કરદાતાઓએ તેમના રિટર્ન 31મી જુલાઈ 2021 સુધીમં ફાઈલ કરી દેવાના હોય છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આજે એક પરિપત્ર બહાર પાડીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની મુદત બે મહિના વધારી દેવાની જાહેરાત કરી છે. આવકવેરા ધારાકની કલમ 193ની પેટા કલમ (1)ની જોગવાઈ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આકારણી વર્ષ 2021-22નું સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31ંમી ડિસેમ્બર 2021 છે તે પણ લંબાવીને 31મી જાન્યુઆરી 2022 કરી આપવામાં આવી છે. આવકવેરા ધારાની કલમ 139ની પેટા કલમ (4)ની જોગવાઈ હેઠળ તારીખ લંબાવીને 31મી જાન્યુઆરી, 2022 કરવામાં આવી છે.
કોરોના ઉપરાંત વાવાઝોડાને કારણે સર્જાયેલી વિપરીત સ્થિતિમાં ફસાયેલા વેપાર ઉદ્યોગ અને વ્યક્તિગત કરદાતાઓને સીબીડીટીના આ નિર્ણયને પરિણામે ખાસ્સા રાહત થશે. આ સાથે જ બિઝનેસ માટે તેમની ટેક્સ કોમ્પ્લાયન્સની સિસ્ટમને ઓનલાઈન કરી દેવી આ સાથે વધુ મહત્વની બની ગઈ છે.
કોરોનાના બીજા મોજાં પછી ટેક્સ કોમ્પ્લાયન્સ માટે રિટર્ન ફાઈલ કરવા માટે કરદાતાઓને વધારાનો સમય મળશે. કોરોના વાયરસના કહેરને પરિણામે ગયા વર્ષે પણ સીબીડીટીએ ટેક્સ કોમ્પ્લાયન્સ માટેની જુદી જુદી તારીખો લંબાવી હતી.
આવકવેરા ખાતું ઇ-ફાઇલિંગ માટે નવું વેબ પોર્ટલ શરૂ કરશે
આવકવેરાનું જૂનું પોર્ટલ પહેલીથી છઠ્ઠી જૂન બંધ રહેશે
આવકવેરા ખાતું કરદાતાઓ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે તે માટે નવું ઇ-ફાઈલિંગ વેબ પોર્ટલ ચાલુ કરે તેવી સંભાવના છે. જૂન મહિનાના આરંભમાં નવું પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. અત્યારનું વેબ પોર્ટલ પહેલી જૂનથી છઠ્ઠી જૂન સુધી છ દિવસ માટે બંધ રહેશે. નવું વેબપોર્ટલ વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે એમ અધિકારીઓનું કહેવું છે. નવા પોર્ટલનું નામ www.incometaxgov.in છે.
સાતમી જૂનથી નવું પોર્ટલ સક્રિય કરી દેવામાં આવશે. આ સુવિધા કરવાની હોવાથી જ જૂનું પોર્ટલ પહેલીથી છઠ્ઠી જૂન સુધી બંધ રહશે. પહેલીથી છઠ્ઠી જૂન વચ્ચે જૂના પોર્ટલ પર કરદાતાઓ કે પછી આવકવેરા અધિકારીઓ પણ કોઈ જ કામગીરી કરી શકશે નહિ. આવકવેરા અધિકારીઓ કરદાતાઓને 10મી જૂન પછીની તારીખ હિયરિંગ માટે આપી શકશે. દસમી જૂન પછી જ કરદાતાઓ પોર્ટલ પર વ્યવસ્થિત પ્રતિભાવ આપી શકશે.