નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો રસીકરણ અભિયાનને વધુ વેગ આપવામાં ન આવ્યો તો કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ભારતમાં હજુ પણ બન્યો રહેશે. કોરોના વાઇરસના ફેલાવા અંગેનું અનુમાન લગાવવા સાથે સંકળાયેલા સુત્ર મોડલના વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગરે કહ્યું હતું કે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તો ત્રીજી વેવને રોકી શકાય.
તેમણે ચેતવણી આપી છે કે જો રસીકરણ અભિયાન નબળુ પડયું તો કોરોનાની ત્રીજી લહેર આગામી 6થી 8 મહિનામાં આવી શકે છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું કે સુત્ર મોડલ હાલ કોરોનાની ત્રીજી લહેરની આગાહી નથી કરી રહ્યું કેમ કે તે અંગેના અનુમાનની કામગીરી ચાલી રહી છે.
ઇટાલિયન રિસર્ચર્સના કેટલાક પેપરોના આધારે આ દાવો કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિમાં એન્ડીબોડી વિકસીત થયાના છ મહિના સુધી ટકે છે. તે પછી તેને વધુ એન્ટીબોડીની જરૂર રહેશે.
આ વૈજ્ઞાનિકે કહ્યું હતું કે જો એક વખત શરીરમાંથી એન્ટીબોડી ખતમ થઇ ગઇ તો પછી કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે. અને આવા સમયે રસી બહુ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. અમારા આગામી અનુમાનમાં અમે એન્ટીબોડીનો પણ સમાવેશ કરવા જઇ રહ્યા છીએ.
પ્રિન્સિપાલ સાઇન્ટિફિક એડવાઇઝર કે વજયરાખવને કહ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરને રોકવી હોય તો અત્યારથી જ વધુ મજબુત પગલા લેવા પડશે. લોકોએ કોરોનાના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવું પડશે તેમજ સરકારે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવાની જરૂર છે.