ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. તેમાં પણ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ એમ ચાર જિલ્લામાં સૌથી વધુ તારાજી થઈ છે. રાજ્ય સરકારના પ્રાથમિક સર્વે પ્રમાણે આ કુદરતી આપત્તિથી રાજ્યને 5 હજાર કરોડ કરતાં વધુ નુકસાન થયું હોવાનો અંદાજ છે. નુકસાનીનો સંપૂર્ણ અંદાજ 10થી12 દિવસમાં મળી જઈ શકે છે. આ માટે મહેસૂલ, કૃષિ, ઉર્જા અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.
ચારેય જિલ્લામાં નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાં સાથે ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઇલેક્ટ્રિકના ફિડરો અને ઉર્જા વિભાગના સાધનોને પણ નુકસાન થયું છે. જેમાં ઉર્જા સેક્ટરને 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો પ્રાથમિક સર્વે છે. ખેડૂતોના પાક બરબાદ થતાં આ કૃષિ સેક્ટરને 2500થી 3000 કરોડ રૂપિયાનું નુકસાનની શક્યતા છે, જેમાં વાવાઝોડાંએ કેરીના પાકને સૌથી વધારે હાનિ પહોંચાડી છે, તેથી 100 કરોડથી વધુનો કેરીનો પાક સંપૂર્ણ સાફ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં 13 હજારથી વધુ હેક્ટરમાં આંબાના વૃક્ષને વાવાઝોડાંના કારણે નુકસાન થયું છે.
નુકસાનીનો આંકડો વધવાની શક્યતા છે
રાજ્ય સરકારના પ્રાથમિક સર્વેમાં 5000 કરોડ દર્શાવવામાં આવ્યા છે પરંતુ નુકસાનનો આંક વધી શકે તેવી પણ સંભાવના છે. કુદરતી આપત્તિમાં લોકોની મિલકતોને પણ હાનિ પહોંચી છે. રાજ્યમાં 60 ટકા બાગાયતી પાકો નષ્ટ પામ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉભા પાકને પણ ભારે નુકસાન છે. રાજ્યના માર્ગો અને સંખ્યાબંધ કાચા મકાનોને પણ નુકસાન થયું છે. પશુપાલકોના પશુઓનું પણ નુકસાન હોવાથી તેનું સર્વેક્ષણ કરાશે.
મહેસૂલ વિભાગની સર્વેક્ષણ ટીમ સર્વેના આંકડા મેળવશે
ગુજરાત સરકાર દ્વારા નુકસાનીનો પ્રાથમિક અંદાજ તો કાઢવામાં આવ્યો છે,પરંતુ રાજ્યના મહેસૂલ વિભાગના અધિકારીઓ સર્વેક્ષણ ટીમો બનાવીને રાજ્યભરમાં નુકસાનીના સર્વેના આંકડા મેળવશે. જેમાં અલગ અલગ વિભાગોને થયેલા નુકસાનના આંકડાની સાથે જે તે જિલ્લા કલેક્ટરો પાસેથી પણ નુકસાનીનો અંદાજ મંગાવવામાં આવશે. અને ત્યારબાદ કેન્દ્રને વધુ આર્થિક સહાય માટે દરખાસ્ત કરવામાં આવશે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ નુકસાન છે.
ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ
રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, ખેડૂતોને જે નુકસાન થયું છે, તેનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેતીવાડીને થયેલા નુકસાન સંદર્ભે સર્વેક્ષણ માટે પ્રભાવિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.
નુકસાનના ઝડપી સર્વેના મુખ્યમંત્રીના આદેશ
રાજ્યના ઉર્જા વિભાગના અધિકારીઓ પણ તેમના વિભાગના નુકસાનનો સર્વે કરી રહ્યાં છે. આ સર્વેમાં 10થી 12 દિવસનો સમય થવાની શક્યતા છે. જો કે કૃષિ પાકને થયેલું ધોવાણ અને નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી કક્ષાએથી આદેશો કરવામાં આવ્યા છે, વાવાઝોડાંના કારણે ગુજરાતને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે આવતા અઠવાડિયામાં કેન્દ્રની ટીમો પણ ગુજરાત આવશે.