મ્યુકોરમાઇકોસિસ(બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે. એપિડેમિક ડિસિસીઝ એક્ટ, 1897 હેઠળ કોઇ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ માટે શંકાસ્પદ અને કન્ફર્મ થયેલા મ્યુકોરમાયકોસિસના કેસોનું ફરજિયાત રિપોર્ટિંગ આરોગ્ય વિભાગ અને ઇન્ટેગ્રેટે ડિસિઝ સર્વેલન્સ પ્રોજેક્ટ (આઇડીએસપી)ને કરવા જણાવ્યું છે.
આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ફંગલ ઇન્ફેકશનની સારવારમાં એક કરતા વધારે નિષ્ણાત ડોક્ટરોની જરૂર પડે છે. જેમાં આંખના સર્જન, ઇએનટી સ્પેશિયાલિસ્ટ, જનરલ સર્જન, ન્યૂરોસર્જન, ડેન્ટલ મેક્સિલોફેસિયલ સર્જનનો સમાવેશ થાય છે.
એપિડેમિક ડિસિસીઝ એક્ટ, 1897 મુજબ મહામારીને રોકવા માટે સત્તાવાળાઓને વિશેષ સત્તા આપવામાં આવે છે. તમામ સરકારી અને ખાનગી આરોગ્ય કેન્દ્રો, મેડિકલ કોલેજોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) દ્વારા મ્યુકોરમાયકોસિસના સ્ક્રીનિંગ, ડાયોગનિસિસ, સંચાલન માટે જારી કરવામાં આવેલ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના કેટલાક દર્દીઓમાં ફંગલ ઇન્ફેકશન જોવા મળી રહ્યું છે. સ્ટીરોઇડ લેનારા અને ડાયાબિટિસના દર્દીઓમાં આ રોગના ચિહ્નો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
ગઇકાલે રાજસૃથાનમાં આ કેસોની સંખ્યા વધતા રાજસૃથાન સરકારે આ રોગને મહામારી જાહેર કરી દીધી છે. 18 મેના રોજ હરિયાણા સરકારે પણ આ રોગને મહામારી જાહેર કરી હતી. અત્યાર સુધીમાં ગુજરાત, કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગણા, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, બિહાર સહિતના રાજ્યોમાં આ રોગ જોવા મળ્યો છે.
બ્લેક ફંગસની દવા આયાત કરવા શું પગલાં લીધા? : દિલ્હી હાઇકોર્ટ
મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ની દવાઓ દેશમાં અછત હોવાથી આ દવાઓની આયાત વધારવા સરકારે શું પગલા લીધે તે અમને જણાવવામાં આવે તેમ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. આ રોગ કોરોનાની સારવાર લઇ રહેલા અને સાજા થઇ ગયેલા દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યો છે.
ફક્ત દિલ્હીમાં જ આ રોગના 200થી વધુ દર્દીઓ છે. ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને જસમિત સિંહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે આ રોગની સારવારમાં વપરાતી દવા એમ્ફોટેરિસિન બી વિશ્વમાં જ્યાં પણ ઉપલબ્ધ હોય ત્યાંથી તે મંગાવવામાં આવે.
મ્યુકોરમાઇકોસીસને ગુજરાત સરકારે પણ મહામારી જાહેર કરી
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મ્યુકરમાઇકોસીસના કેસો ચિંતાજનક હદે વધી રહ્યાં છે.
પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સૃથાને મળેલી કોર કમિટીની બેઠકમાં મ્યુકર માઇકોસીસના રોગને મહામારી જાહેર કરી છે. આ રોગચાળા મુદ્દે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 અન્વયે મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કરાઇ છે.
આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલ,મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગ્નોસિસ અને સારવાર માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ અને આઇસીએમઆરની ગાઇડલાઇનનુ પાલન કરવાનું રહેશે. મ્યુકરમાઇકોસીસના કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.
બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસની ચિંતા, પટણામાં ચાર દર્દી નોંધાયા
દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારો અને ડોકટરો ચિંતિતિ છે.
હવે બિહારની રાજધાની પટણામાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ મળ્યા બાદ સરકાર ચિંતામાં છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે. સાથે સાથે આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરના ભાગ, આંતરડા, કિડની અને દિમાગ પર પણ ખરાબ અસર પાડે છે.
જાણકારી પ્રમાણે પટણા મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો. એસ એન સિંહાએ ચાર દર્દીઓ સામે આવ્યા હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, આવા દર્દીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા હોય છે. જો સીટી સ્કેનમાં કોરોના જેવા લક્ષણ દેખાય અને દર્દીના કફનો કલ્ચર રિપોર્ટ કરાવવામાં આવે તો આ ફંગસની જાણકારી મળતી હોય છે.
ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઈટ ફંગસની ચપેટમાં આવી શકે છે. જે તેમના ફેફસાને સંક્રમિત કરી શકે છે અને આ ફંગસના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે.
આ સિવાય ડાયાબિટિસ હોવાના કારણે અથવા તો લાંબા સમયથી સ્ટેરોઈડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસ લાગી શકે છે. બાળકોને અને કેન્સરના દર્દીઓને પણ વ્હાઈટ ફંગસનો રોગ લાગી શકે છે. ડોકટરોના મતે ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓના ઉપકરણ ખાસ કરીને ટયુબ કિટાણુ મુક્ત હોવી જોઈએ. ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ સ્ટરિલાઈઝ વોટર વડે કરવો જોઈએ.