અમદાવાદ : ગુજરાતનાં નાના-મોટાં શહેરો સહિત અમદાવાદનાં બજારો આજે સવારે 9 વાગે ખુલ્લાં વિવિધ માર્ગો પર લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા અને કેટલાંક સ્થળે ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. દિવસો બાદ વેપાર-ધંધા ચાલુ થતા વેપારીઓએ ખાસ્સી રાહત અનુભવી હતી. દુકાનદારો ઉપરાંત લારી-ગલ્લાઓએ પણ થોડો ઘણો ધંધો કરી સંતુષ્ટ થયા હતા.
13મી માર્ચ 2021 પછી આજે અનલૉકના પહેલા દિવસે 15 ટકા જેટલા ઘરાકો આવ્યા હતા. અખાત્રીજના દિવસે સોનું કે ચાંદી ખરીદનારાઓએ અખાત્રીજે સોના અને ચાંદીની લગડીઓના ઓર્ડર આપી દીધા હતા, પરંતુ તેની ડિલીવરી આજે લેવા આવ્યા હતા. આજે જ્વેલર્સની દુકાનોમાં તેમની અવરજવર ખાસ્સી રહી હતી. તેમને પરિણામે દુકાનોમાં અવરજવર દેખાઈ હતી.
તેમ જ લગનસરાની કે સગાઈ જવા પ્રસંગો હોવાથી ખરીદી કરવા માગતા ગ્રાહકોએ આજે દુકાનોમાં એન્ટ્રી લીધી હતી, એમ સોના ચાંદીના બજારના જિગર સોનીનું કહેવું છે. આમ ધીમીગતિએ ઘરાકીનો આરંભ થયો હતો. પરિસ્થિતિ નોર્મલ થશે તો આગામી પંદરેક દિવસમાં વેપારો નોર્મલ થઈ જવાની ધારણા બાંધી શકાય છે. સરકારના તમામ નિયમોનું પાલન કરીને વેપાર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદની ન્યુક્લોથ માર્કેટના ગ્રે લઈને પ્રોસેસ કરાવનારા વેપારીઓએ તેમના કામકાજ આજે પ્રોસસર્સને સોંપવાનું ચાલુ કરી દીધું છે. તેને પરિણામે 800થી 900 જેટલા પ્રોસેસર્સના કામકાજ આગળ વધતા થયા છે. આમ આજથી પ્રોસેસ હાઉસો ધમધમતા થવા માંડયા છે. તેમની ડિલીવરી મળતાં ગારમેન્ટિંગનું કામકાજ વધશે.
ગારમેન્ટિંગ એટલે કે વસ્ત્રો તૈયાર કરવાના કામકાજમાં સૌથી વધુ રોજગારી મળી રહી છે. આ રોજગારી મળવાના રસ્તાઓ ખુલવા માંડતા પોતાના ગામડે ચાલ્યા ગયેલા કામદારો અને બીજા રાજ્યના કામદારોએ ખબર મળતા પાછા આવવવાનું ચાલુ કરી દીધું છે, એમ ન્યુક્લોથ માર્કેટના ગૌરાઁભ ભગતનું કહેવું છે.
આમ કાપડના વેપારનો આજથી શુભ આરંભ થઈ ગયો છે. બીજીતરફ બહારગામના વેપારીઓ એટલે કે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં ખરીદી કરવા માટે ન આવી શકતા વેપારીઓને અમદાવાદના વેપારીઓએ વોટ્સ અપ પર નવી નવી ડિઝાઈનનો ફાટો મોકલીને તેની મદદથી વેપાર કરવાનો આરંભ કરી દીધો છે.
આ સાથે જ જ્વેલર્સોએ આવકવેરા અને જીએસટીની આવેલી નોટિસોના સંદર્ભમાં આપવાના થતાં જવાબોની કામગીરી પણ આજે શરૂ કરી દીધી હતી. તેમ જ વાર્ષિક હિસાબ કિતાબને લગતા કામકાજ પણ કરાવવાનું શરૂ કરી દીધું છે.
ટેક્સટાઈલના વેપારીઓએ પણ તેમના ટેક્સેસનને લગતા તમામ કામકાજો પૂરા કરવા માંડયા હતા. રસ્તા પર લારીગલ્લાઓ પણ જોવા મળ્યા હતા. અત્યાર સુધી માત્ર શાકભાજીના ફેરિયાઓ જ જોવા મળતા હતા. તેને સ્થાને હવે પાણીપુરીથી માંડીને અન્ય ખાણીપીણીની લારીઓ પણ જોવા મળી હતી. તેમાં પણ ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી.
છૂટક વેપારીઓની દુકાનો ખૂલવા માંડતા વીસથી પચ્ચીસ દિવસથી સાવ જ બંધ થઈ ગયેલી આવકનો આરંભ થઈ ગયો હતો. આજે અમદાવાદના કાળુપુર, રીલીફ રોડ, ગુરૂકુળ રોડ, સરખેજ, શિવરંજની, 132 ફૂટના રિંગ રોડ, સીજી રોડ પર નોર્મલ કરતાં ખાસ્સી વધારે અવરજવર જોવા મળી હતી. સી.જી. રોડ અને શિવરંજની રોડ પરના જ્વેલર્સની દુકાનોમાં ચમક જોવા મળી હતી.
રીલીફ રોડ પર ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ અને ગાંધી રોડ પર ઇલેક્ટ્રિકલ આઈટેમ્સની લેવાલી જોવા મળી હતી. સૂમસામ પડેલા બજારમાં ગતિવિધિઓ ચાલુ થવા માંડી છે અને કોરોનાની સ્થિતિ ન વણસે તો દસથી પંદર દિવસમાં તમામ વહેવારો રાબેતા મુજબ થઈ જશે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.