‘યાસ’ વાવાઝોડું 26 મેની સાંજે પહોંચશે બંગાળ-ઓડિશાના કિનારે, NDRFની 65 ટીમ તૈનાત

બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું યાસ 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે ટકરાય તેવી શક્યતા છે. આ કારણે તોફાનથી પ્રભાવિત થવાની આશંકા ધરાવતા વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એનડીઆરએફ)ની 65 ટીમો તૈનાત કરવાની તૈયારી છે. એનડીઆરએફની વધુ 20 ટીમો પણ તૈયાર રહેશે જેને જરૂર પડે તો તૈનાત કરવામાં આવશે.

વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ (એનસીએમસી)ની બેઠક યોજાઈ હતી. કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં યાસનો સામનો કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો, એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત હવામાન વિભાગ (આઈએમડી)ના ડીજીએ આ સમિતિને વાવાઝોડાની નવીનતમ સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

આઈએમડીના અહેવાલ પ્રમાણે વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને સમીપવર્તી ઉત્તરી ઓડિશાના કિનારે પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. આ દરમિયાન 155થી લઈને 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની, આ રાજ્યોના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનની લહેરો ઉઠવાની આશંકા છે. સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવે સમિતિને વાવાઝોડાનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની જાણકારી આપી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાનું કામ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું.

રાજ્યોના મુખ્ય સચિવના કહેવા પ્રમાણે ખાદ્યાન્ન, પેયજળ અને અન્ય જરૂરી વસ્તુઓની આપૂર્તિ માટે તેના પર્યાપ્ત સ્ટોકની વ્યવસ્થા કરી દેવાઈ છે. આ સાથે જ વીજળી અને દૂરસંચાર જેવી આવશ્યક સેવાઓને સુચારૂ બનાવી રાખવા માટે પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જહાજ અને વિમાન ઉપરાંત થલ સેના, નૌસેના અને તટરક્ષક દળની રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે.

કોવિડ કેર સેન્ટર માટે જરૂરી તૈયારી

હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરાઈ રહી છે. દેશભરના કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજનનું ઉત્પાદન અને આપૂર્તિ પણ સુનિશ્ચિત કરાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *