જામનગરની ભાગોળે આવેલી ઠેબા ચોકડી નજીક રેતીના ધંધામાં મનદુઃખનો ખાર રાખી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. વધુમાં રાજ્યમંત્રી હોસ્પિટલ દોડી ગયા હતા.
આ લોહિયાળ બનાવની વિગત મુજબ હત્યા, મારામારી સહિતના બનાવો માટે નામચીન બનેલી જામનગરની ઠેબા ચોકડીએ આજે ઢળતી સાંજે 5 વાગ્યાના સુમારે ખૂની ખેલ ખેલાયો હતો. હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી પ્રાથમિક વિગત મુજબ ઠેબા ચોકડી નજીક રેતીના ધંધા બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી.
જોત જોતામાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં ક્ષત્રિય યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા (ઉ.વ. ૨૬) ની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બનાવના પગલે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
વધુમાં જામનગર એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પંચકોશી એ અને બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. રેતીના ધંધા બાબતે મનદુઃખ થયા બાદ યુવાનની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે. ફરિયાદ નોંધવા પણ તજવીજ હાથ ધરાઈ છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.