નવી દિલ્હી : ભારતમાં 500 અબજ ડોલરનું રોકાણ કરવા માંગતી એક અમેરિકન કંપનીએ આ જાહેરાત તેની કઇ આર્થિક ક્ષમતાના જોરે આપી છે તે સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો. ભારતમાં 500 અબજ ડોલરનું રોકાણ કરવા માંગતી અમેરિકાની કંપની સામે સોશ્યલ નેટવર્ક પર તેની સત્યતા બાબતે ઉહાપોહ ઉભો થયો છે.
અમેરિકામાં બહુ ઓેછી જાણીતી એવી કંપનીએ દિલ્હીના એક નામાંકિત અખબારની પ્રથમ પેજ પર જાહેરાત આપી હતી કે તે ભારતમાં 500 અબજ અમેરિકી ડોલર રોકવા માંગે છે. આ જાહેરાત મારફતે કંપનીએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે અમે ન્યુ ઇન્ડિયા વિઝનમાં ભાગ લેવાની તક ઝડપવા માંગીએ છીએ.
ભારતમાં વિદેશી રોકાણો માટે લાલ જાજમ બિછાવાય છે પણ અખબારમાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવતી જાહેરાત પ્રથમ વાર જોવા મળી હતી. આવા જંગી રોકાણના જાહેરાત જોઇને સોશ્યલ નેટવર્ક તેના પૃથ્થકરણમાં લાગી ગયું હતું. માઇક્રો બ્લોગીંગ વેબસાઇટ ટ્વિટર પરતો જાહેરાતને મશ્કરી સમાન ગણાવી હતી અને લખાયું હતું કે જાહેરાત આપનાર અમેરિકી કંપનીનું આટલા જંગી રોકાણનું ગજુંજ નથી.
ટ્વિટર પર એમ પણ લખાયું કે કંપનીનો હેતુ સારો હોઇ શકે પણ આ કંપનીનું નામ પણ કોઇએ સાંભળ્યું પણ નથી અને તેની 500 અબજ ડોલર રોકવાની ક્ષમતા સામે શંકા ઉભી થાય તે સ્વભાવિક છે.
આ કંપની જે 500 અબજ ડોલર રોકવાની વાત કરે છે તે હકીકતે ેતો એમેઝોનના ફાઉન્ડર જેફ બિસોઝ, ટેસ્લાના વડા એલન મસ્ક અને બિલ ગેટ્સની કુલ સંપત્તિ કરતાં વધુ છે. રોકાણની આ રકમ ભારતના બજેટ કરતાં પણ વધુ છે. ટ્વિટર પર અનેક નામાંકિત લોકોએ લખ્યું છે કે આ કંપની આટલી માટી જંગી રકમ રોકી શકવાની ક્ષમતા નથી ધરાવતી તો પછી જાહેરાત શા માટે આપી છે. કેટલાકે તેના રમૂજ સમાન ગણાવી હતી.
જાહેરાત આપનાર લેન્ડમસ રીયાલ્ટી પાસે 19 લોકોનો સ્ટાફ છે અને તેની વાર્ષિક આવક પાંચ મિલીયન છે. જાહેરાત અનુસાર આ ફર્મનું નામ લેન્ડમસ રીયાલ્ટી વેન્ચર્સ છે.
આ કંપનીએ એમ પણ લખ્યું છે કે ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપ લાઇન પ્રોજેક્ટમાં તેમજ તે સિવાયના પ્રોજેક્ટમાં રોકામ કરવા માંગે છે. અખબરા દ્વારા કંપનીએ વડાપ્રધાનને આ જંગી રોકાણ માટે અપીલ કરી છે.
આ જાહેરખબરમાં લેન્ડમસ ગૃપના ચેરમેન પ્રદીપ કુમાર સત્ય પ્રકાશનો ઉલ્લેખ પણ છે. સોશ્યલ નેટવર્ક પરના કેટલાક ઉત્સાહીઓએ શોધી કાઠયું હતું કે કંપની અમેરિકા સ્થિત હોવાનું કહેવાય છે પરંતુ તે બંગલુરૂમાં રજીસ્ટર થયેલી છે. તેનું ડોમેઇન નેમ કર્ણાટકમાં રજીસ્ટર થયેલું છે.