નવી દિલ્હી : ટૌટે વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા અને 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે સેનાએ યુદ્ધ જેવી તૈયારી કરી છે. નૌસેનાના 4 જંગી જહાજો અને હેલિકોપ્ટરો જ્યારે વાયુસેનાના 11 માલવાહક વિમાનો અને ચીતા, ચેતક તથા એમઆઈ-17 જેવા 25 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
બંગાળ પર જે વાવાઝોડુ ત્રાટકવાનુ છે તેને યાસ નામ આપવામાં આવ્યું છે. બંગાળ ઉપરાંત ઓડિશા અને આંધ્રમાં આ વાવાઝોડાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે પાંચ લાખનું સ્થળાંતર કરાયું છે.
તે સિવાય 5 સી-130 વિમાન, 2 ડોનયર વિમાન અને 4 એએન-32 વિમાનોએ પણ મોરચો સંભાળ્યો છે. ઉપરાંત એનડીઆરએફની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે.
તે પૈકીની 46 ટીમો તો પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોડી, ઝાડ કાપવા માટેના, દૂરસંચાર માટેના ઉપકરણો વગેરેથી સજ્જ છે. તે સિવાય 13 ટીમોને રવિવારે તૈનાતી માટે એરલિફ્ટ કરવામાં આવી રહી છે તથા 10 ટીમોને સતર્ક અને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
યાસનો સામનો કરવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રવિવારે વડાપ્રધાન મોદીને આ જાણકારી આપવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ વડાપ્રધાનને જણાવ્યું કે, 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકનારૂ યાસ 26 મેની સાંજે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારાઓ સાથે અથડાઈ શકે છે.
તેનાથી બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે બંગાળ અને ઓડિશાના તટીય ક્ષેત્રોમાં લગભગ 2-4 મીટર ઉંચુ તોફાન આવી શકે છે. એનડીઆરએફની 46 ટીમો હોડી, ઝાડ કાપવા માટેના મશીન વગેરેને તૈનાત કરી દેવાયા છે.
યાસ વાવાઝોડાને કારણે વિશેષ ટ્રેનો રદ
બંગાળના ઉપસાગર પાસે યાસ વાવાઝોડું બની રહ્યું છે અને 26મીના આ વાવાઝોડુ પશ્ચિમ કિનારાપટ્ટીના રાજ્યોમાં ટકરાશે તેવી રેલવેએ ઓડિશા તરફ જતી ટ્રેનો રદ્દ કરી છે. 01019 સીએસએમટી- ભુવનેશ્વર, વિશેષ એક્સપ્રેસ, 01020 ભુવનેશ્વર- સીએસએમટી, 02145 લોકમાન્ય ટિળક ટર્મિનસ- પુરી વિશેષ એક્સપ્રેસ 24, 25 મેના રોજ રદ્દ કરાઈ છે. આવી માહિતી મધ્ય રેલવેએ આપી હતી. 23 અને 24મી મેના રોજ દૂરની 02874 અમદાવાદ- પુરી વિશેષ ટ્રેન 25 અને 27મીને રોજ છૂટનારી 02843 પુરી- અમદાવાદ વિશેષ ટ્રેન, 24મી મેના રોજ છૂટનારી 02037 પુરી- અજમેર વિશેષ ટ્રેન, 25મી મેના રોજ છૂટનારી 02038 અજમેર- પુરી વિશેષ ટ્રેન, 02828 સુરત- પુરી વિશેષ 26મી મેના રોજ છૂટનારી 08405 પુરી- અમદાવાદ વિશેષ ટ્રેન, 02093 પુરી જોધપુર વિશેષ ટ્રેન વાવાઝોડાને કારણે રદ્દ કરાઈ છે. યાસ વાવાઝોડાને કારણે આગામી દિવસોમાં વધુ ટ્રેનો રદ્દ કરવાની શક્યતા છે. વાવાઝોડાની તીવ્રતાના આધારે આ નિર્ણય લેવાશે તેવી માહિતી રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.