અમદાવાદ : કેન્દ્ર સરકારે અનુકૂળ હોય તો 18થી 44ના વયજૂથમાં આવતા યુવકોને ટાઈમ સ્લોટની કડાકૂટમાં પડયા વિના જ વેક્સિન આપી દેવાની વ્યવસ્થાને અમલમાં મૂકવાના ભલામણ કરી છે, પરંતુ ગુજરાત સરકારે તો રજિસ્ટ્રેશન અને ટાઈમ સ્લોટની વ્યવસ્થા સાથે જ રસીકરણની વ્યવસ્થાનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
રસી અપાવવા માટે યુવાનો આવે ત્યારે જ તેમનું રજિસ્ટ્રેશન કરાવી લેવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનો અમલ કરવા દરેક રાજ્યને માટે ફરજિયાત નથી. જોકે રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સંખ્યાબંધ યુવાનો 25થી 30 દિવસથી ટાઈમ સ્લોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોવા છતાંય તેમને ટાઈમ સ્લોટ મળતો જ નથી. તેથી ઘણાં યુવાનોએ તો રસી લેવાની જફામાં પડવાનું જ હાલ પૂરતું ટાળી દીધું છે.
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિનું કહેવું છે કે કેન્દ્ર સરકારે માત્ર પત્ર લખીને દરેક રાજ્યોને જણાવ્યું છે કે રસીનો બગાડ ન થાય તે માટે રાજ્યોની સરકાર ટાઈમ સ્લોટ લેવાનો આગ્રહ રાખ્યા વિના જ 18થી 44 વર્ષના યુવાનોના રસીકરણની વ્યવસ્થાનો અમલ કરી શકે છે. કેન્દ્ર સરકારનો આ પત્ર દરેક રાજ્યને ફરજિયાત અમલ કરવાની સૂચના આપતો નથી.
ગુજરાત અત્યારની વ્યવસ્થામાં પણ દેશના અન્ય રાજ્યની તુલનાએ રસીકરણની બાબતમાં સારૂ પરફોર્મ કરી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં થોડી અવળી અસર પડી છે. કોવિશિલ્ડના વપરાશમાં આપણે ત્યાં નજીવો બગાડ હોઈ શકે છે. બીજા રાજ્યની તુલનામાં ગુજરાતમાં બહુ જ નજીવો બગાડ છે. તેથી કેન્દ્ર સરકારના પત્ર પ્રમાણે ગુજરાતના રસીકરણના કાર્યક્રમમાં ફેરફાર કરવો જરૂરી જણાતો નથી.
ગુજરાતમાં આજ સુધીમાં 1,52,15,612 લોકોને રસી અપાઈ ચૂકી છે. જોકે 18થી 44ની વયજૂથના લોકોને પહેલી મેથી રસી આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. આજથી રોજના એક લાખ લોકોને રસી આપે તો પણ હજી તેમને 6.5 કરોડ લોકોને રસી આપતા ઘણો લાંબો સમય લાગી જાય તેમ છે. 18થી 44ની વયજૂથમાં આજે 98,745 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 7,82,588 લોકોને રસી અપાઈ ચૂકી છે.